ચીન
ચીનમાં લોકોને કોવિડ-૧૯ની પકડમાં ન આવવા દેવાની વ્યૂહરચના પર વળગી રહેવા છતાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે હોંગકોંગની હોસ્પિટલો પર બોજ વધી રહ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સ્થાનિક સરકારને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઝડપી પગલાં ભરવા જણાવ્યું છે. હોંગકોંગમાં કોરોના વાયરસ રોગચાળાની શરૂઆત પછીના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યુ છે અને આ અઠવાડિયે દરરોજ કોવિડ -૧૯ ના લગભગ ૨,૦૦૦ નવા કેસ નોંધાયા છે. સ્થાનિક સરકારે ચેપના કેસોનો સામનો કરવા માટે પહેલાથી જ ઘણા નિયંત્રણો લાદી દીધા છે. જાે કે દર્દીઓની સંખ્યા વધતાં બુધવારે કેરીટાસ મેડિકલ સેન્ટરમાં હોસ્પિટલની બહાર ઉભા કરાયેલા બેડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ચીન તરફી સમાચાર સંસ્થા ‘વેન વેઈ પો’ના જણાવ્યા અનુસાર, ચીનના રાષ્ટ્રપતિએ વ્યક્તિગત રીતે સૂચનાઓ જાહેર કરી અને નાયબ વડા પ્રધાન હાન ઝેંગને હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ કેરી લેમ સાથે ચીનમાં રોગચાળો ફાટી નીકળવા અંગે ચીની નેતાઓની ચિંતાઓ વિશે વાત કરવા કહ્યું. હાન ઝેંગે કહ્યું કે હોંગકોંગ સરકારે મુખ્ય જવાબદારી ગંભીરતાથી લેવી જાેઈએ અને રોગચાળાને પહોંચી વળવા ઝડપી પગલાં લેવા જાેઈએ. ઝેંગે જણાવ્યું હતું કે ચીનની કેન્દ્ર સરકારની એજન્સીઓ અને પડોશી ગુઆંગડોંગ પ્રાંત હોંગકોંગને રોગચાળાનો સામનો કરવા માટે સહાય પૂરી પાડશે, જેમાં એન્ટિજન પરીક્ષણ, તબીબી કુશળતા અને પુરવઠો સામેલ છે. ચીન તેની સરહદોમાં વાયરસને નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે. આ માટે ‘ઝીરો કોવિડ પોલિસી’ અપનાવવામાં આવી છે. ચીનમાં કોરોના વાયરસને રોકવા માટે લાખો લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને કેસ મળ્યા પછી તરત જ લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ કેરી લેમે પણ શહેરમાં ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી છે, જ્યારે ચીન અને હોંગકોંગ વચ્ચે ભૌગોલિક અને અન્ય તફાવતો જાેઈ શકાય છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને નાયબ વડા પ્રધાન હાન ઝેંગની ટિપ્પણીને કારણે કેરી લેમ પર દબાણ વધી રહ્યું છે. તેમના પર કોવિડને વહેલી તકે કાબૂમાં લેવાનું દબાણ છે.
