ઇસ્લામાબાદ
પાકિસ્તાન ક્રિકેટ ટીમએ પોતાની શાનદાર બેટિંગના આધારે ઓસ્ટ્રેલિયા સામે કરાચીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ડ્રો કરી હતી. મહેમાન ટીમે પાકિસ્તાન સામે ૫૦૬ રનનો પડકાર આપ્યો હતો. પાકિસ્તાને પ્રથમ દાવમાં જે રીતે બેટિંગ કરી તે જાેઈને લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા આ મેચ જીતી જશે. પરંતુ સુકાની બાબર આઝમ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને સદી ફટકારીને મેચ ડ્રો કરી હતી. પાકિસ્તાને મેચના પાંચમા અને છેલ્લા દિવસે ૭ વિકેટે ૪૪૩ રન બનાવ્યા હતા. બાબર બેવડી સદી ચૂકી ગયો અને આઉટ થયો, પરંતુ રિઝવાને તેનું કામ કર્યું અને આ ક્રમમાં તે એડમ ગિલક્રિસ્ટ જેવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો. રિઝવાને આ મેચમાં અણનમ ૧૦૪ રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે ૧૭૭ બોલનો સામનો કર્યો હતો અને ૧૧ ચોગ્ગા સાથે ૧ સિક્સર ફટકારી હતી. આ મેચમાં બાબર અને રિઝવાને ૧૧૫ રનની ભાગીદારી કરી હતી. બાબરના આઉટ થયા પછી રિઝવાન મેચમાં અંત સુધી ઊભો રહ્યો અને ટીમને હારમાંથી બચાવી. આ સદી બાદ મોહમ્મદ રિઝવાન એક ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે. રિઝવાનની આ બીજી ટેસ્ટ સદી છે. તે ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સદી ફટકારનાર પાકિસ્તાન તરફથી બીજાે એવો વિકેટકીપર છે. તેના પહેલા આ કામ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોઈન ખાને ૧૯૯૫માં કર્યું હતું. આ સાથે જ તે ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સદી ફટકારનાર સાતમો વિકેટકીપર-બેટ્સમેન છે. તેના પહેલા આ સિદ્ધી ઓસ્ટ્રેલિયાના મહાન વિકેટકીપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ, ભારતના યુવા વિકેટકીપર ઋષભ પંત, ઈંગ્લેન્ડના મેટ પ્રાયર અને દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સના નામે છે. જાેકે આ ઇનિંગ દરમિયાન રિઝવાનને પણ જીવનદાન મળ્યું હતું. ઉસ્માન ખ્વાજાએ ૯૧ રનના અંગત સ્કોર પર તેનો કેચ છોડ્યો હતો. રિઝવાને મેચ બાદ કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરવી સરળ ન હતી. તેણે કહ્યું, “ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે પાંચ સેશન સુધી મેચ બચાવવા માટે બેટિંગ કરવી સરળ નથી. આપણે બધા જાણીએ છીએ કે તેનું બોલિંગ આક્રમણ કેટલું શાનદાર છે. જ્યારે બાબર અને હું બેટિંગ કરતા હતા, ત્યારે અમે જીતવા માટે વિચાર કર્યો હતો, પરંતુ બોલ ઘણો જૂનો હતો. તેથી જૂના બોલથી રન બનાવવું સરળ ન હતું.


