અમરેલી જિલ્લાના નકશામાં દરિયાઈ પટ્ટી ઉપર ત્રણેય દિશામાં સમુદ્રનું પાણી,જમીનની સપાટીનો આકાર પક્ષીની ચાંચ જેવો જે ભુશીર છે તેમાં ચાંચના પક્ષીએ હીરાનો નંગ પહેર્યો હોય તેવું સ્થળ દેખાય તે ગામ-ચાંચ.
ચાંચની વસ્તી તમામ મજુર વર્ગની,એક બે દાયકા પહેલા શિક્ષણ અને ભૌતિક સુવિધાનો ખુબજ અભાવ.ચાંચ ગામ શિક્ષણથી વંચિત રહેલ હોય તમામ વસ્તી મજુરી કરીને પોતાના જીવનનિર્વાહ કરે નાની એવી ભુશીરમાં ખેતી લાયક જમીન જ નહોતી. તેઓને મજુરી કરવા વર્ષના આઠ મહિના બહાર જવું પડતું.ચોમાસાના ચાર મહિના તેમના માટે વેકેશન ગણાય છે અને આ પરિસ્થિતિ આજની તારીખે પણ છે પરંતુ ગામની બહાર નીકળતા હવે તો અગર (મીઠા)ના ખાડામાં થોડા-ઘણા મજુરોને કામ મળી રહેતું હોય ગામમાં થોડી ઘણી વસ્તી દેખાય છે અને ચોમાસામાં તમામ ગ્રામજનો વતનમાં વેકેશનન માણવા આવે ત્યારે સમગ્ર ગામમાં મેળાવડા જેવું વાતાવરણ થઇ જાય છે.ત્યારે આ ચાર માસનાં સમયગાળામાં સમગ્ર ગામજનો પોતાના પ્રસંગોની ઉજવણી બાધા-આખડીઓ,લોકડાયરા,લગ્ન-પ્રસંગો,નવરાત્રી જેવા મોટા ઉત્સવો ખુબ રંગે-સંગે ઉજવીને મનાવીને વર્ષ દરમ્યાનની મજૂરીનો સંપૂર્ણ થાક ઉતારે છે.
ખુબ જ ટૂંકા ઈતિહાસમાં ગામનો હવે વિકાસ પણ થઇ રહયો છે.મોબાઈલ આવતા હવે બહારની દુનિયાનો પણ ગ્રામજનોને ખ્યાલ આવી રહયો છે.આજે ગામ સુધી આવવા સારા રસ્તા છે,પાણી છે,વિજળી છે અને ગ્રામજનોમાં ખુબ સારો વિકાસ જોવા મળી રહ્યો છે.છેલ્લા પંદર વર્ષમાં જે ગામનો વિકાસ થઈ રહ્યો છે અને ગ્રામજનોમાં જાગૃતતા આવી રહી છે. જેની પાછળનું સબળ કારણ આજની યુવા પેઢી છે.આજની ગામની યુવા પેઢીમા ગામનાં વિકાસ,પ્રશ્નોની સમજ તેની રજુઆતો દ્વારા પાયાની સુવિધાઓ અંગે વિચારશીલ થયા છે. જેની પાછળનુ કારણ છે છેલ્લા ૧૫-૧૭ વર્ષથી ચાલી રહેલો શિક્ષણનો “યજ્ઞ” અને આ યજ્ઞની શરૂઆત થઇ ત્યારથી આજ દિન સુધી શિક્ષણ બાબતે ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષકો તથા આ શિક્ષકોને સતત્ત માર્ગદર્શન,હુંફ,સુરક્ષા અને શાળાનાં બાળકોની સતત ચિંતા અને શિક્ષણ બાબતે ૨૪ કલાક કાર્યરત એવા શ્રી શારદાબેન વાઘેલા. વર્ષ ૨૦૦૪માં આ ગામની શાળામાં શિક્ષિકા તરીકે આવેલા શારદાબેન વાઘેલાનુ રામસેતુનાં પુલનાં નિર્માણમાં સહયોગી ખિસકોલીની જેમ ગામને શિક્ષિત અને જાગૃત કરવાનું કામ નજર અંદાજ થઈ શકે તેમ નથી. કારણકે તેમણે ગ્રામજનોને શિક્ષણનું મહત્વ સમજાવવા ખૂબ મહેનત કરેલ છે અને તેઓ ખૂબ સફળ પણ થયા છે. એટલે જ તો તમે કોઈને ચાંચ ગામની પ્રા.શાળા વિશે કહો ત્યારે પ્રથમ શારદાબેનનું નામ આવે અને ચાંચ પ્રા.શાળા શારદાબેનની શાળા તરીકે સમગ્ર જિલ્લામાં જાણીતી બની ગઈ છે. અને શારદાબેન દ્વારા ચાંચ ગામમાં શિક્ષણ બાબતે જે ભેખ ધારણ કર્યો છે.તેના પરીણામ સ્વરૂપે આજે ચાંચ પ્રા.શાળા ખૂબ જાણીતી થઈ છે.
અગાઉ જણાવ્યુ તેમ ગામમાં પ્રાથમિક શાળા તો હતી અને ગામનાં બાળકો શાળાએ આવતા પણ અનિયમિતા વધારે જોવા મળતી, ત્યારે કોઈ શિક્ષક આ ગામમાં આવે તો બહુ જાજો સમય આ શાળામાં ટકતા નહી , માટે ગામમાં માંડ આંગળીના વેઢે ગણાય એટલા શિક્ષકો ટકી રહેતા અને તેઓ શિક્ષિત ગણાતા એટલે ચાંચ ગામના ગ્રામજનો તેમને ખુબ આદર-સન્માન આપતા.
વર્ષ ૨૦૦૪માં રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી થઈ ત્યારે ચાંચ ગામમાં એક સાથે ૧૫ જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી. ત્યારે ઘરથી કયારેય એકલા બહાર ન ગયેલા શિક્ષિકા બહેન શારદાબેન પી.વાઘેલા પણ હાજર થયા હતા.નવો-નવો એક સાથે ૧૫ નો નવો સ્ટાફ હાજર થતા ગ્રામજનો દ્વારા હરખની લાગણી દર્શાવવામાં આવી.આ તમામ સ્ટાફને હિંમત અને જુસ્સો પુરનાર શારદાબેન ત્યારે નાની ઉંમરે પણ સ્ટાફને હિંમતપૂર્વક અગવડતાઓનો સામનો કરવા પ્રેરીત કરતા રહયા.
શારદાબેનને પણ પાંદડાઓથી બનાવેલ ઝુંપડી રહેવા માટે મળેલ અને ત્યાંથી દરરોજ પાંચ કિલોમીટર જેટલું અંતર ચાલીને ફરજ ઉપર હાજર થઈ જતા. તેમણે ચાંચનાં પ્રાથમિક શાળાનાં બાળકોને માતાનો પ્રેમ આપીને બાળકોની લાગણી જીતીને જીવનમાં મળેલ અમૂલ્ય તક ઝડપીને શિક્ષણની જ્યોત પ્રગટાવીને શિક્ષણયજ્ઞની શરૂઆત કરી તે આજે પણ ચાલુ જ છે.ગામનાં વડિલો અને વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી શિક્ષણ પ્રત્યેની જાગૃતત્તા ફેલાવવામાં તેઓ ધીમે-ધીમે સફળ થતા ગયા, તેમ તેમ તેમનો જુસ્સો પણ વધવા લાગ્યો.ગામની દીકરીઓ શાળાએ નિયમિત ભણવા આવતી થઈ.બાળકો પણ હોંશે-હોંશે શાળાએ આવતા થયા.
ગ્રામજનો મજુરી અર્થે બહાર ગામ જતા હોય અને તેથી તેમના બાળકો શિક્ષણ અધુરુ મુકીને તેમની સાથે જવાથી શિક્ષણ માટે કરેલી મહેનત એળે જતી હોય એવું લાગતા ગામની શાળામાં જ સીઝનલ હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવી જ્યાં વાલી સાથે બહારગામ જતા રહેતા બાળકોને રોકીને શાળામાં જ રહેવા-જમવાની સુવિધા ઉભી કરતા ધીમે-ધીમે શિક્ષકનું સ્તર ઉપર આવતું ગયું.
શાળા સમય દરમ્યાન શૈક્ષણિકકાર્ય થાય અને પછી શાળા છુટ્યા બાદ બાળકો અને શિક્ષકો સાથે જ શાળામાં હોસ્ટેલમાં રહેવા લાગતા ચાંચની શાળા ૨૪ કલાક ચાલતી શાળા જેવી બની રહી.શારાદાબેન પોતે સ્પોર્ટસનાં માધ્યમથી શિક્ષણમાં આવ્યા હોય બાળકોને શિક્ષણની સાથે રમત-ગમતમાં પણ નિપૂણ બનાવવાની મહેનત કરતા અને તેમની મહેનતનાં ફળ સ્વરૂપે ચાંચ પ્રા.શાળાનાં બાળકો છેક નેશનલકક્ષા સુધી રમવા જઈને શિલ્ડ લઈ આવ્યાનાં પણ દાખલા છે.
ગ્રામજનો અને બાળકોનાં માયાળુ સ્વભાવની સાથે સંસ્કારનું પણ સિંચન થવા લાગ્યુ જેનાં પરિણામે શાળામાં અભ્યાસ કરીને જતા રહેલા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિવેક ઉડીને આંખે વળગે તેવો છે જે શારદાબેન વાઘેલા અને તેમનાં સ્ટાફને અભારી છે. ચાંચ બંદર શાળામાં નવા-નવા ભરતીથી આવેલા નાની ઉંમરના શિક્ષકોને એક માતા, એક બહેન જેવો પ્રેમ આપીને શિક્ષકને જે રીતે નોકરી કરવાની મજા આવે તેવું વાતાવરણ આપીને ખરેખર એક લીડરની ભૂમિકા ભજવીને ચાંચનાં બાળકોના શિક્ષણ પ્રત્યે સતત ચિંતા કરતા શારદાબેનને શિક્ષકો દ્વારા પણ સંપૂર્ણ સહકાર મળતો રહે છે, શારદાબેનની આગેવાની હેઠળ આખી ટીમ સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરી રહી છે જે બિરદાવવા લાયક છે.સને વર્ષ-૨૦૧૬-૧૭મા ૨૫ જેટલા રૂમ વાળી આધુનિક શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું. લાઈટ-પાણીની સુવિધાવાળા નવા બિલ્ડીંગમાં પ્રા.શાળાને ફેરવવામાં આવ્યા બાદ શાળાનાં અને શિક્ષણના વિકાસને વધુ વેગ મળવા લાગ્યો. શિક્ષકોને રહેવા બે રૂમ રસોડા વાળા ૧૨ જેટલા કવાર્ટર બાનવામાં આવ્યા.આજે ચાંચની પ્રા.શાળા મોડેલ જેવી શાળા બની રહી છે. પાંચ વર્ષ પહેલા શાળાનાં બિલ્ડીંગની સાથો સાથ બાળકોને રહેવા માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ સીઝનલ હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવ્યું. જેમાં આંઠ જેટલા મોટા-મોટા રૂમો, ભોજન શાળા, ભોજન માટે ટેબલ પાટલી,બાળકોને સુવા માટે ગાદલા,રઝાઈ,ઓશિકાની સંપૂર્ણ સુવિધા મળતા હવે બાળકો માં-બાપ સાથે મજુરીના સ્થળે જવાને બદલે હોસ્ટેલમાં રહીને શિક્ષણ મેળવી રહયા છે.બાળકોને સવારે દૂધ-ફ્રુટ,બપોરે ભોજન,ત્યાર બાદ નાસ્તો, રાત્રી ભોજન આપવામાં આવે છે તેમજ બાલમિત્રોની નિમણુક કરીને શાળા સમય બાદ શિક્ષણ કાર્યની પણ સગવડતા મળી રહે છે.બાળકોની સુરક્ષા માટે શાળાની હોસ્ટેલમાં ૨૪ કલાક બે ચોકીદાર ખડે પગે રહે છે.
છેલ્લા પંદર-સતરવર્ષથી શાળામાં ઉતરોતર વિકાસ–બદલાવ થયા અને જેની પાછળ સતત મહેનત કરતા શારદાબેન વાઘેલા આજે પણ ૨૪ કલાક શાળાની હોસ્ટેલમાં હાજર રહીને ચાંચ પ્રા.શાળાને હજુ વધુ ઉંચા શિખરે લઈ જવાની જે ઉમદા કામગીરી કરી રહ્યા છે તેમની મેહનતને વંદન….
શારદાબેન વાઘેલાને પોરબંદર રમેશભાઈ ઓઝા (ભગવદાચાર્યશ્રી)ની સાંદીપની વિદ્યાનિકેતન તરફથી શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ પણ મળેલ છે. મોરારીબાપુના પ્રવચનો સતત સાંભળતા અને જીવનમાં ઉતારી, પૂજ્ય બાપુને એક આદર્શ બનાવીને જીવનમાં શિક્ષણ પ્રત્યે કંઇક કરી છૂટવાની શારદાબેન વાઘેલાની ભાવનાને ખરેખર શ્રેષ્ઠ એવોર્ડ મળવા પાત્ર છે. ખરેખર“શિક્ષક કભી સાધારણ નહિ હોતા”ની ઉક્તિ શારદાબેન વાઘેલા અને તેમનાં સ્ટાફે સાબિત કરી બતાવ્યું છે.
ઉપરોક્ત ચાણક્ય દ્વારા કહેવાયેલું શિક્ષક માટેના વિધાનની જે બીજી કડી છે કે “પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમે પલતે હૈ”તે શારદાબેન વાઘેલાએ સાબિત કરી બતાવ્યું છે. તેમના પતિ પોલીસ ખાતામાં નોકરી કરતા હોય, પતિને પોતાનાં ફરજ પરના સ્થળે રહેવું પડતું હોય લગ્ન બાદ પણ તેમના કાર્યમાં અને ફરજમાં કોઇ ફેરફાર થયેલ નહિ. તેઓ પોતાની શક્તિ કરતા પણ વધુ વિશેષ કામગીરીઓ કરીને ચાંચ.પ્રા.શાળાને સતત વિકાસના માર્ગે દોડાવતા જ રહયા. તેમની એક શુધ્ધ દાનત છે કે આ ગ્રામજનો તેમના સંતાનોને મારા ભરોશે મુકીને જાય છે. તો મારે તેઓને પુરતો ન્યાય આપવો એ મારી પ્રથમ જ્વાબદારી અને ફરજ છે. એવા વિચાર સાથે શાળાનાં બાળકો પ્રત્યેની જવાદારી ફરજ કે લાગણીમાં ઉણપ આવવા દીધી નથી.
શારદાબેનની વિશેષ કામગીરીની વાત કરતા આનંદ થાય છે કે ચાંચ પ્રા.શાળાના બાળકો જયારે પણ કોઈ સ્પર્ધા કે પ્રતિયોગીતામાં ભાગ લેવા જાય ત્યારે રમત-ગમત,વિજ્ઞાન કે સામાજિક કાર્યોમાં ચાંચ શારદાબેનના નેજા તળે અવ્વલ રહેવા હવે તો ટેવાઈ ગયું છે.
ગત વર્ષે આવેલા “તાઉતે” વાવાઝોડામાં ચાંચ ગામમાં પુષ્કળ પ્રમાણમાં નુકશાન થયેલ ત્યારે સરકારશ્રી દ્વારા ગ્રામજનોને સરકારી સહાયના રૂપમાં ઘર/વ્યક્તિ દીઠ નાણા સહાય (કેશ ડોલ)ની બહુ મોટી જવાબદારી શારદાબેનના શિરે આવેલ. વેકેશન હોવા છતાં શારદાબેન વાઘેલાએ સ્ટાફને સંકલનમાં રાખીને માતબર રકમની વહેચણી કરી જે ખરેખર સલામ કરવાનું મન થાય તેવી ફરજ બજાવેલ, લાઈટ કે પાણીની વ્યવસ્થાની બિલકુલ ખોરવાઈ ગયેલી પરિસ્થિતિમાં ગ્રામજનોને જે રીતે મદદ રૂપ થઈને ઘા ઉપર મરહમનું કામ કરેલ તે કામગીરી ખુબ વિશેષ ગણી શકાય છે.
વધુમાં,ગામની દીકરીના લગ્ન ગામમાંજ થતા હોય ગામમાં પતિ-પત્ની દંપતી બને શારદાબેનના જ વિદ્યાર્થી રહી ચુકેલા હોવાને કારણે પતિ-પત્નીના વાંધા-વચકા પડ્યા હોય તો તેઓને સમજાવીને તેઓના દામ્પત્ય જીવનને પાટે ચડાવ્યાના પણ ઘણા ઉદાહરણો તેમની વિશેષ કામગીરી રૂપે નોંધ લેવા જેવી છે.
૧૯ વર્ષ જેવા લાંબા સમયગાળા થી ચાંચ જેવા દરિયાઈ બેટ ના વિસ્તાર મા સતત પ્રવતિશીલ રહી ને શારદાબેન વાઘેલા એ એક શિક્ષક તરીકે જે શ્રેષ્ઠ કામગીરી કરેલ છે તે નજરે નિહાળવી હોય તો આપે ચાંચબંદર જવું જ રહ્યું…જીવનમા ઘણા શિક્ષકોને મળ્યો છું પણ શારદાબેનને મળી ને લાગ્યું કે આવા અભૂતપૂર્વ વિરલ વ્યક્તિત્વ ને પ્રેરણાસ્ત્રોત બનાવવા જોઈએ જે સતત ઉત્તમ કર્યો કરવાની પ્રેરણા પુરી પાડે છે..શારદાબેન વાઘેલામા રહેલા શ્રેષ્ઠ શિક્ષકત્વ ને નત મસ્તક વંદન…
— *ઘનશ્યામ એમ સોલંકી*
*નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અમરેલી*


