સંભવિત બિપોરજોય’ વાવાઝોડાની સ્થિતિમાં સુરતની પૂર્વ તૈયારીઓની સજજતા અંગે જિલ્લા કલેક્ટરે બેઠક યોજી
‘ઝીરો કેઝ્યુલ્ટી’ના લક્ષ્ય સાથે સંભવિત વાવઝોડાના કારણે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સાબદું:
વાવાઝોડાના કારણે આવશ્યક સેવાઓ ખોરવાય નહીં તે માટે અધિકારીઓની ટીમો સ્ટેન્ડ બાય
:ઈ.જિલ્લા કલેક્ટર બી.કે.વસાવા
——
સુરત:શનિવાર: દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટકવાની ભીતિને પગલે સુરત જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયુ છે. ઈ.જિલ્લા કલેક્ટરશ્રી બી.કે.વસાવાએ સંભવિત વાવાઝોડાના કારણે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ અંગે બેઠક યોજી હતી. સંભવિત વાવાઝોડાના કારણે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા ‘ઝીરો કેઝ્યુલ્ટી’ના લક્ષ્ય સાથે તંત્ર સાબદું હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ વિગતો આપતા કહ્યું કે, તા.૧૧ જૂનના રોજ ૩૫ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની તેમજ વધીને તાઃ૧૨ અને ૧૩મીએ પવનની ઝડપ ૬૫ થી ૭૦ કિમી/કલાક થવાની શક્યતા છે, ત્યારે સંભવિત વાવાઝોડા સામે ‘ઝીરો કેઝ્યુલ્ટી’ના લક્ષ્ય સાથે સુરતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય તો કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવાની સજ્જતા અંગે આગોતરૂ આયોજન કરવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં લઈ ભારે પવનના કારણે વીજપોલ ધરાશાયી થાય, વીજ પૂરવઠો ખોરવાય તો દ.ગુજરાત વીજ કંપની લિ.એ વીજલાઈનની મરામત કરી વીજપુરવઠો પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી.
પીવાના પાણી, વીજળી, દૂરસંચારના માધ્યમો જેવી આવશ્યક સેવાઓ ખોરવાય નહીં તે માટે અધિકારીઓની ટીમો સ્ટેન્ડ બાય રાખવાની તેમણે તાકીદ કરી હતી. કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, તાલુકાના અધિકારીઓ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા છે. હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસ હાલપૂરતી બંધ કરવામાં આવી છે, તેમજ સુરતના દરિયામાંથી તમામ માછીમારો દરિયામાંથી સલામત પરત ફર્યા છે, પરંતુ જો કોઈ માછીમાર દરિયો ખેડવાની તૈયારી કરતાં હોય તો તેમણે તાકીદે પાછા ફરવાની અપીલ કરી હતી. સુરતના સુવાલી, ડુમસ, ડભારી એ તમામ દરિયાકિનારા જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે. જેથી પ્રજાજનોએ દરિયાકિનારાના સ્થળોએ ન જવાનો અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત પશુપાલન, ખેતીવાડી વિભાગની ટીમોને સ્ટેન્ડ બાય રહેવા જણાવ્યું હતું.
સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ કલેકટરશ્રીએ તમામ અધિકારી-કર્મચારીશ્રીઓને હેડકવાર્ટરમાં હાજર રહેવા અને પૂર્વમંજૂરી વિના હેડકવાર્ટર ન છોડવા જણાવ્યું હતું. તાકીદની પરિસ્થિતિમાં જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી બચાવ અને રાહતની ત્વરિત કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી.
આ બેઠકમાં સિટી પ્રાંત અધિકારીશ્રી જી.વી.મિયાણી, ઓલપાડ પ્રાંત અધિકારીશ્રી સી.કે. ઉંધાડ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, ચિફ ઓફિસરો, ડિઝાસ્ટર, આરોગ્ય, ફાયર, ડી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.