Gujarat

જિલ્લાની ૭૧૭ શાળામાં પ્રવેશોત્સવ: ૬૬ રૂટની ફાળવણી કરાઈ  

જૂનાગઢ જિલ્લામાં તા.૧૨ જૂનથી ત્રી -દિવસીય કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ નો પ્રારંભ થશે. જેમાં સમગ્ર જિલ્લામાં ૯૭૭૧ ભૂલકાઓને બાલવાટિકામાં અને ૫૪૪ જેટલા બાળકોને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે. આ ભૂલકાઓના શિક્ષણ તરફ પ્રથમ ડગના વધામણાં કરવા માટે રાજ્યના ૮ જેટલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

    આ શાળા પ્રવેશોત્સવ જિલ્લાની કુલ-૭૧૭ શાળા માં યોજાશે. આ માટે ૬૬ જેટલા રૂટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.

    રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં તા.૧૨  થી ૧૪ જૂન દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં તા. ૧-૬-૨૦૨૩ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયેલ તેવા પ્રવેશપાત્ર ૪૮૦૩ કુમાર અને ૪૬૬૮ કન્યા મળીને કુલ-૯૪૭૧ નાના ભૂલકાઓને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ તા.૧-૬-૨૦૨૩ના રોજ છ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા પ્રવેશપાત્ર ૨૮૭ કુમાર અને  ૨૫૭  કન્યાઓ મળીને કુલ-૫૪૪ બાળકોનો ધો-૧માં પ્રવેશ આપવામાં આવશે.

આ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવમાં સ્પીપાના નાયબ મહાનિર્દેશક (આઈ.એ.એસ.) શ્રી વિજયકુમાર ખરાડી, અધિક સચિવ શ્રી બી.એન. એરડા, આઈ.એફ.એસ. ડો. જયપાલસિંહ, નાયબ સચિવ સર્વ શ્રી ડી.આર. ભમ્મર, શ્રી એસ.ડી. જોષી, શ્રી એન.કે. વાઘેલા,  શ્રી એ.આર. સોની,  ઉપસચિવ શ્રી એન.એમ. ભાવસાર  સહભાગી થશે.

       ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવના સુચારું આયોજન માટે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી, જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *