*ઇતિહાસમાં પ્રથમ વાર માતાજીની પાદુકાને મંદિર બહાર લાવવામાં આવી. ૧૫૦૦ સંઘોના પ્રતિનિધિઓ પાદુકાયાત્રામાં જોડાયા*
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બીજા દિવસે શ્રી ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ હતી. માં અંબાના જગપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળામાં ગુજરાતભરમાંથી આવતા ૧૫૦૦ જેટલા સંઘો ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલા છે. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી સુધી અંબાજી ખાતે આયોજીત શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલા ૧૫૦૦ સંઘોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટના મહામંત્રી યોગેશભાઈ પટેલની આગેવાનીમાં વિવિધ સંઘોના પ્રતિનિધિઓ ધર્મમય માહોલમાં પુરા સન્માન સાથે માતાજીના ગર્ભગૃહમાંથી ઇતિહાસમાં પ્રથમવાર માતાજીની ચરણ પાદુકાને મંદિર બહાર લાવ્યા હતા. ત્યારબાદ ચરણ પાદુકાની પૂજા અર્ચના કરી તેની પવિત્રતા જળવાય એ રીતે ભવ્ય પાદુકાયાત્રા કાઢી ૫૧ શક્તિપીઠે ૫૧ ધજા ચડાવવામાં આવી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*