બેંગલુરુ
બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોમાં જેટપેક શૂટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેની ખાસિયત એ છે કે આ સૂટને પહેરીને વ્યક્તિ જેટ વિમાનની જેમ ઉડી શકે છે. ગેસ ટર્બાઈન એન્જિનથી ચાલતા આ સૂટને પહેરીને સૈનિક ૧૦થી ૧૫ મીટરની ઉંચાઈએ ઉડી શકે છે. આ સૂટ દરેક સીઝનમાં કામ કરે છે. ૪૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા જેટપેક સૂટની મદદથી સેનાનાં જવાનો ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત ૧૦ મિનિટ સુધી ઉડી શકે છે. જેટ પેક પોતાની સાથે ૮૦ કિલોગ્રામ સુધીનું વજન ઉંચકીને ઉડી શકે છે. પહાડ, રણ અને બરફથી આચ્છાદિત વિસ્તારોમાં પણ આ સૂટ કામ કરે છે. કેવી રીતે કામ કરે છે જેટપેક સૂટ? તે જાણો.. જેટપેક સૂટ ગેસ કે પ્રવાહી ઈંધણથી ચાલે છે. તેનું ટર્બાઈન એન્જિન લગભગ ૧૦૦૦ હોર્સપાવરની ઉર્જા ઉત્પન્ન કરે છે. સૂટનો કન્ટ્રોલ જવાનનાં હાથમાં જ હોય છે. તેને પહેરીને જવાન ૧૦થી ૧૫ મીટરની ઉંચાઈ સુધી ઉડી શકે છે. આ સૂટની મદદથી જવાનો સરહદ પરના સંવેદનશીલ વિસ્તારો, પહાડોમાં તેમજ જંગલોમાં સર્વેલન્સની કામગીરી સરળતાથી કરી શકશે. આ સૂટ પહેરીને ઉડતી વખતે જવાનો કોઈ પણ પ્રકારે હુમલો નથી કરી શકતા. જાે કે ભવિષ્યમાં આ ક્ષમતા પણ વિકસાવી શકાય છે. ભારત ખરીદશે જેટ પેક સૂટ?.. ભારતીય સેનાએ ૪૮ જેટલા જેટ પેક સૂટ ખરીદવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ સૂટને ઉત્તર ભારતમાં ચીન સરહદે તૈનાત જવાનોને સોંપવામાં આવે તેવી શક્યતા છે. બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોનાં ઈન્ડિયા પેવેલિયનમાં જેટપેક સૂટ પહેરેલા સૈનિકનું મોડેલ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે. યુકેની કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ દુનિયાની એકમાત્ર એવી કંપની છે, જે જેટ પેક સૂટ બનાવીને દુનિયાભરની સેનાઓને સપ્લાય કરે છે. કંપનીનાં સ્થાપક રિચાર્ડ બ્રાઉનિંગે ૨૦૧૬માં આ સૂટ તૈયાર કર્યો હતો.
