જોની લીવરની પુત્રી જેમી લીવરે ખુલાસો કર્યો છે કે તેને બાળપણમાં તેના પિતાનો પ્રેમ મળ્યો નથી. તેમજ તે તેના પિતા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકતી ન હતી. તે આજે પણ તેમની ગેરહાજરી અનુભવે છે.
વાસ્તવમાં, જોની ઘણીવાર ફિલ્મોના શૂટિંગને કારણે બહાર રહેતા હતા. તેમની ગેરહાજરીમાં તેમની પત્નીએ બાળકોની સંભાળ લીધી. જો કે હવે સ્થિતિ એવી નથી. જેમીએ કહ્યું કે, ‘હવે જોની કામની સાથે તેના પરિવાર પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે.’
જેમી અભિનય ક્ષેત્રે પણ સક્રિય છે. તે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝનો ભાગ રહી ચૂકી છે. તે ‘હાઉસફુલ 4’ અને ‘ભૂત પોલીસ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. સ્ટાર કિડ હોવા છતાં જેમી ઈન્ડસ્ટ્રીમાં બહુ સફળ થઈ શકી નથી.

‘જોની હંમેશા ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રહેતા હતા’
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જેમીએ પિતા જોની લીવર સાથેના બોન્ડિંગ વિશે વાત કરી હતી. જેમીએ કહ્યું કે, હું નાની હતી ત્યારે પિતા પાસે સમય નહોતો. કારણ કે પપ્પા દિવસમાં 4-5 ફિલ્મોનું શૂટિંગ કરતા હતા અને એમાં વ્યસ્ત રહેતા હતા.’
જેમીએ આગળ કહ્યું, ‘તેઓ અમને (જેમી અને તેના ભાઈ)ને ક્યારેય શાળાએ લઈ ગયા નથી. અમે શાળાએથી પાછા આવીએ ત્યારે તે ઘરે ન મળે. માતાએ અમને હંમેશા શિષ્ટાચાર શીખવ્યો, પરંતુ પિતા તે બધું શીખવવા માટે ઘરે હાજર રહી શકતા ન હતા.પિતા પાસેથી બાળપણમાં જે લાડ અને પ્રેમ મળે છે તે મને ક્યારેય મળ્યો નથી.’
જેમીએ કહ્યું કે, ‘જોની આ બાબતોને સમજે છે જે બાળકો મિસ કરે છે. આવી સ્થિતિમાં, તેઓ બાળકોને ખુશ કરવા અને ભેટ અને ચોકલેટ લાવીને તે ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરતા.’

