બોક્સ ઓફિસ પર જ્યારે પણ કોઈ નવી ફિલ્મ શરૂ થાય તો તે મોટાભાગે શુક્રવારે રિલીઝ થાય છે. બોલીવુડમાં ફિલ્મ શુક્રવારે રિલીઝ કરવાનું ચલણ છે તો સાથે જ સાઉથમાં ફિલ્મ હમેશા ગુરુવારે રિલીઝ કરવામાં આવે છે. આ વાત તમને પણ ખબર જ હશે પરંતુ તેની પાછળનું કારણ શું છે તે તમને ખબર નહીં હોય. આજે તમને આ શરૂઆત કેવી રીતે થઈ તે જણાવીએ., હિન્દી સિનેમામાં ફિલ્મો શુક્રવારે રિલીઝ કરવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે શુક્રવાર અઠવાડિયાનો છેલ્લો વર્કિંગ દિવસ હોય છે.
શુક્રવાર પછી શનિવાર અને રવિવાર આવે છે જેમાં મોટાભાગના લોકોને રજા હોય છે. રજાના દિવસોમાં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ફિલ્મ જાેવા આવી શકે તે માટે ફિલ્મને શુક્રવારે રિલીઝ કરવામાં આવે છે. શુક્રવારે ફિલ્મ રિલીઝ કરવામાં આવે તો વિકેન્ડ કલેક્શનનો લાભ પણ મળે છે અને ફિલ્મ સક્સેસ થાય તેની સંભાવના પણ વધી જાય છે.
જાેકે ફિલ્મોની શરૂઆતના સમયમાં શુક્રવારે ફિલ્મ રિલીઝ કરવા પાછળ આવી કોઈ ગણતરીઓ ન હતી. પરંતુ ૧૯૬૦માં જ્યારે મુગલે આઝમ ફિલ્મ રિલીઝ થઈ ત્યાર પછીથી મોટાભાગે ફિલ્મોને શુક્રવારે જ રિલીઝ કરવામાં આવતી હતી. મુગલે આઝમ ફિલ્મ ૫ ઓગસ્ટ અને શુક્રવારે રિલીઝ થઈ હતી.
આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. ત્યાર પછીથી નિર્માતાઓ મોટાભાગે ફિલ્મને રીલીઝ કરવા માટે શુક્રવાર જ પસંદ કરવા લાગ્યા. સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો ગુરુવારે રિલીઝ કરવામાં આવે છે. ગુરુવારે ફિલ્મ રિલીઝ કરવા પાછળ ધાર્મિક અને જ્યોતિષીય કારણ છે. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. શુભ અને ભાગ્યશાળી દિવસ હોવાના કારણે સાઉથમાં આ દિવસે ફિલ્મ રિલીઝ કરવામાં આવે છે.