કરન જોહરે વર્ષ 2020માં મેગા બજેટ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ તખ્તની જાહેરાત કરી હતી, પરંતુ આ ફિલ્મને પડતી મૂકવામાં આવી છે. હવે એવા અહેવાલ છે કે કરન જોહરની વધુ 2 ફિલ્મો સ્થગિત કરવામાં આવી છે. જે પૈકી પહેલી ફિલ્મ ‘ધ બુલ’ છે, જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાનો હતો, જ્યારે બીજી ફિલ્મ કાર્તિક આર્યન અભિનીત યુદ્ધ આધારિત અનટાઈટલ્ડ ફિલ્મ હતી.
‘દોસ્તાના 2’ ના કાસ્ટિંગને કારણે કરન જોહર અને કાર્તિક આર્યન વચ્ચે મતભેદો હતા, જે કરન જોહરે બીજી ફિલ્મથી ભરપાઈ કર્યા હતા, પરંતુ હવે તે ફિલ્મ પણ પડતી મૂકવામાં આવી છે.
હાલના બોલિવૂડ હંગામાના અહેવાલમાં પ્રોડક્શન હાઉસની નજીકના સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કરન જોહર અને એકતા કપૂરે કાર્તિક આર્યનને ફિલ્મ ‘વોર’માં કાસ્ટ કર્યો હતો. આ ફિલ્મ યુદ્ધ અને દેશભક્તિ પર આધારિત હતી. આ જ જોનરની કરન જોહરની અગાઉની ફિલ્મ યોદ્ધા કંઈ ખાસ કરી શકી ન હતી. બજારનો રસ જોઈને કરન જોહરે યુદ્ધ પર આધારિત આગામી ફિલ્મને રોકવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ મોદી કરવાના હતા.