Entertainment

ફિલ્મ હિન્દુઓ, મુસ્લિમો અને શીખો વચ્ચે ઘર્ષણ ઊભું કરવા બનાવવામા આવી હોવાનો આક્ષેપ, ‘ધર્મને આતંકવાદ સાથે જોડવામાં આવ્યો’

રવિવારે શીખ સમુદાયે કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ વિરુદ્ધ મુંબઈમાં 4 બંગલા સ્થિત ગુરુદ્વારાની બહાર પ્રદર્શન કર્યું હતું. શીખ સમુદાયનો આરોપ છે કે, ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો વિકૃત કરાયા છે. શીખ સમુદાયે માંગ કરી છે કે ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. કંગના સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.

વિરોધીઓની આગેવાની કરનાર જસપાલસિંહ સૂરીએ કહ્યું, ‘કંગનાએ બધે જવું જોઈએ અને માફી માંગવી જોઈએ. તેણે ખાલસા પંથને આતંકવાદી ગણાવ્યા છે. તે ખેડૂતો કે જેઓ તેમના હક માટે ભૂખ હડતાલ પર હતા તેઓને આતંકવાદી કહેવામાં આવ્યા છે.

જો તે માફી નહીં માગે તો તેના આવનારા દિવસો ખૂબ જ ખરાબ હશે. આના પરિણામો ખૂબ જ ખરાબ આવશે. તેણે આ ફિલ્મ હિંદુ, મુસલમાન અને શીખોને પરસ્પર લડાવવા માટે બનાવી છે. જો આ ફિલ્મ રિલીઝ થશે તો ઘણી જગ્યાએ તોફાનો અને હત્યાકાંડ થશે. આ જૂતા ખાય તેવી કામ છે અને તે (કંગના)ને જૂતા પડશે જ.’

હજારો શીખ 4 બંગલા ગુરુદ્વારાની બહાર એકઠા થયા અને આ ફિલ્મનો વિરોધ કર્યો. તેમણે કંગના રનૌતના પોસ્ટરો પર ચપ્પલ માર્યા અને ફિલ્મ સામે નારાજગી વ્યક્ત કરી. શીખ સમુદાયના લોકો કહે છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં આ ફિલ્મ મુંબઇના થિયેટરોમાં રજૂ થવા દેશે નહીં.

તેમનો દાવો છે કે જો વહીવટ તેમની માંગણીઓ પર ધ્યાન આપશે નહીં, તો તેઓ મોટા પાયે તેનો વિરોધ કરશે.