પોલીસે હાથફેરો કરનાર શખસને દબોચી લઈ તમામ મુદામાલ કર્યો કબજે
જેતપુરના જલારામ વિરપુરમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાંખી રાજકોટના અમિત ડાભીને દબોચી લીધો હતો. આરોપી પાસેથી ચોરી કરેલ તમામ રૂ.૧.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બનાવ અંગે વિરપુરમાં જલારામ મંદિરની પાછળ રહેતાં ભાર્ગવ કનકરાય જાની ઉ.૩૮એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના માતા પિતા વિરપુર ગામમાં રહે છે. તેઓ તેમની પત્ની અને પુત્રી સાથે એક વર્ષથી ત્રંબા ગામે રહે છે.અને ત્યાં ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. ગઈ તા. ૦૨/૦૫/૨૦૨૪ થી સ્કુલમાં વેકેશન પડતા તેઓ પરીવાર સાથે વિરપુર ઘરે આવતા રહેલ હતાં ગઈ તા.૧૨/૦૫ ના રોજ રાત્રે સુવા માટે ધાબા ઉપર ગયા હતાં. બાદમાં વહેલી સવારે પાણીનો વારો હોય જેથી ઊઠીને રૂમમાંથી બહાર નીકળી દરવાજો ખોલતા દરવાજો બહારથી બંધ હતો જેથી પાડોશીને ફોન કરી દરવાજો બંધ હોય જે ખોલવા માટે કહેતા પાડોશી તેના ધાબા પરથી ફરિયાદીના ધાબા પર આવી રૂમનો દરવાજો ખોલેલ હતો અને કડીયા કામ ચાલુ હોય જેથી તેઓ ધાબા પરથી નીચે ઉતરેલ અને મેઈન દરવાજો લોક હોય જે દરવાજો ખોલેલ અને અંદર જોતા બે રૂમ હોય તેમાં એક રૂમનો દરવાજો ખુલ્લો હતો રૂમની અંદર ત્રણ કબાટ હોય જે ખુલેલ હતા અને બાજુમાં ત્રણ થેલા પડેલ હોય જે સામાન વેર વીખેર પડેલ જોવામાં આવેલ હતો ચેક કરતાં પગારમાંથી બચત કરેલ રૂ. ૧.૪૦ લાખ થેલામાં રાખેલ હોય જે જોવામાં આવેલ ન હતા.તેમજ થેલામાં તેમની પત્નીનું સોનાનુ બ્રેસલેટ રૂ.૩૧,૫૪૭ વાળુ પણ જોવામાં આવેલ ન હતું જેથી કોઈ અજાણ્યાં શખ્સોએ ઘરમાં ઘુસી રોકડ અને સોનાનું બ્રેસલેટ મળી કુલ રૂ.૧.૭૧ લાખનો મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી સર્કલ પીઆઈ એ.આર.હેરમાના માર્ગદર્શન હેઠળ વિરપુર પીએસઆઈ એસ. વી.ગળચર અને ટીમે બાતમી આધારે ચોરી કરી નાસી છૂટેલા અમિત ભુપત ડાભીને પકડી રોકડ રૂ.૧,૪૦ લાખ અને સોનાનું બ્રેસલેટ રૂ.૩૧૫૪૭ મળી કુલ રૂ. ૧,૭૧,૫૪૭ નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.