જામનગર નજીક સિકકામાં રહેતા એક પરિવારજનો સોમવારે વહેલી સવારે લગ્નનો ચાંદલો લઇ બોલેરોમાં બોટાદના ખસ ગામે જવા રવાના થયા હતા. જે વેળાએ જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર ફલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસે ગોલાઇ પર કૂતરૂ આડુ ઉતરતા બોલેરો પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં બોલેરો સવાર અગિયાર લોકોને નાની મોટી ઇજા પહોચી હતી. જે પૈકી ગંભીર ઇજાગ્રસ્ત એક આધેડનુંમોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા 108ની ટીમ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડયા હતા.
જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર ફલ્લા ગામના બસ સ્ટેન્ડ નજીક વહેલી સવારે છ વાગ્યાના સુમારે એક બોલેરો પસાર થઇ રહી હતી જે વેળા એકાએક રોડ પર કૂતરૂ આડુ આવી જતા બોલેરો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે બોલેરો સવાર લોકોની ભારે ચીસાચીસ-બુમાબુમના કારણે હાઇવે ગુંજી ઉઠયો હતો. આ બનાવની 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તુરંત જ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા માલાભાઇ પરમાર(ઉ.વ. 50)નું મોત નિપજયુ હતુ. જયારે બોલેરો સવાર સિકકાના નાનજીભાઈ નારણભાઈ, દિનેશભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, નારણભાઈ પરમાર સહિતના 10 વ્યક્તિને બહાર કાઢી લેવાયા હતા અને તમામને તુરંત 108 મારફતે સારવારમાં ખસેડાયા હતા.
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સિકકાના એક પરિવારની પુત્રીના લગ્ન બોટાદના ખસ ગામે નિર્ધારવામાં આવ્યા હતા.જે લગ્ન લખીને સોમવારે વહેલી સવારે પરિવાર લગ્ન લખીને વાહન મારફતે બોટાદ જવા માટે રવાના થયો હતો.જેમાં અગિયાર લોકો સવાર હતા.જે દરમિયાન બોલેરો જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસે પહોચતા જ કૂતરૂ આડુ ઉતરતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જેમાં એક દીકરીના મોટાબાપુએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. સિક્કાનો પરિવાર બોટાદના ખસ ગામે મોતીભાઇ ગોવિંદભાઇ મકવાણાના પુત્ર અરવિંદભાઇ સાથે દીકરીના લગ્ન નિર્ધારિત કર્યા હોઇ ચાંદલો લઇ નીકળ્યો હતો. ખસ ગામના પરિવાર સાથે સતત સંપર્કમાં રહેલા પરિવારે છેલ્લે રાજકોટથી નીકળ્યા હોવાનો ફોન કર્યા બાદ બીજો ફોન ઘટના બની હોવાનો આવતાં આક્રંદ છવાઇ ગયો હતો. મૃતક આધેડ દીકરીના મોટાબાપુ થતાં હતાં.