Gujarat

અપ્સરા ફલેટની ગેલેરી તૂટતાં રિક્ષા દબાઇ, 1 ને ઇજા

ભરૂચ શહેરમાં અને તેમાંય જૂના ભરૂચમાં અનેક જર્જરિત ઇમારતો આવેલી છે. ત્યારે દર વર્ષે ભારે વરસાદમાં જર્જરીત ઇમારતો તુટવાની ઘટનાઓ બને છે. તેમજ કેટલાંક કિસ્સામાં લોકોએ જીવ પણ ગુમાવ્યાં છે.ત્યારે આ વર્ષે પણ વરસાદની શરૂઆત સાથે જ જિલ્લામાં જર્જરિત ઇમારતોના ભાગ તુટી પડવાના બનાવો શરૂ થઇ ગયાં છે.

મક્તપુર પાસે આવેલાં ગાયત્રી ફ્લેટના એક એપાર્ટમેન્ટની છાજલી પડી ગઇ હતી. જેના કાટમાળમાં બાઇકને નુકસાન થયું હતું. જ્યારે શહેરની યુનિયન સ્કૂલ પાછળ આવેલી એક મકાનની છાઝલી પણ ધરાશાયી થઇ હતી.

જોકે, બન્ને ઘટનાઓમાં કોઇને ઇજાઓ થઇ ન હતી. દરમિયાનમાં આજે મંગળવારે કસક વિસ્તારમાં આવેલાં અપ્સરા એપાર્ટમેન્ટની એક તરફની ગેલેરી તુટી પડતાં તેના અવાજથી આસપાસમાં રહેતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ગેલરીના કાટમાળ નીચે આવી જતાં અજીત રાણા નામમના એક યુવાનને બન્ને પગે ગંભીર ઇજાઓ થઇ હતી.

જ્યારે ત્યાં પાર્ક કરેલી એક રીક્ષાનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને લઇને સ્થાનિકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ઇમારતો કબ્રસ્તાન તરફનો ભાગ નમી ગયો છે. જેના કારણે મોટી હોનારત સર્જાઇ શકે છે.