અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા શહેરમાં આવેલી ૧૪૫ ઇમારતોને બાંધકામના અનધિકૃત ઉપયોગ અને ફાયર સેફ્ટીના પગલાંના ઉલ્લંઘન બદલ સીલ કરી દેવામાં આવી છે. એએમસી દ્વારા કૂલ ૫૨૦ બિલ્ડીંગોને અનધિકૃત બાંધકામ, અનધિકૃત ઉપયોગ અથવા ફાયર એનઓસીના અભાવે સીલ કરી છે. આ એકમોમાં ૧૩ ગેમિંગ ઝોન, ૪૮ હોસ્પિટલો, ૧૨૬ શાળાઓ અને પૂર્વશાળાઓ, ૨૨ ટ્યુશન ક્લાસ, ૨૫ સિનેમા (૮૧ સ્ક્રીનો સહિત), ૧૦૨ ફૂડ કોર્ટ, રેસ્ટોરાં, ભોજન સમારંભ અને હોટેલ્સ તેમજ ૧૧ શોપિંગ કોમ્પ્લેક્સ અને પાર્ટી પ્લોટનો સમાવેશ થાય છે. તેમજ ૧૭૩ ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે.
ફાયર સેફટીમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબતઃ-
ફાયર અલાર્મ સિસ્ટમઃ ફાયર અલાર્મ સિસ્ટમ સક્રિય અને કાર્યક્ષમ હોવી જોઈએ. નિયમિત ચકાસણી અને જાળવણી કરવી જરૂરી છે.
ફાયર એક્સ્ટિંગ્વિશરઃ ફાયર એક્સ્ટિંગ્વિશર્સ સરળતાથી ઉપલબ્ધ અને ઉપયોગ માટે તૈયાર હોવા જોઈએ. એમની ત્રીમાસિક ચકાસણી કરવી અને વપરાશ અંગેની તાલીમ આપવી.
ફાયર એસ્કેપ રૂટ્સઃ ફાયર એસ્કેપ રૂટ્સ સ્પષ્ટ, અવરોધરહિત અને જાણીતી હોવી જોઈએ. માર્ગ દર્શાવતી નિશાનીઓ સ્પષ્ટ અને ચમકદાર હોવી જોઈએ.
ઇમરજન્સી લાઇટિંગઃ ઇમરજન્સી લાઇટિંગ કાર્યક્ષમ અને ચકાસેલી હોવી જોઈએ, જેથી વિજળી ન હોય ત્યારે પણ રક્ષણ મળે.
ઈવેક્યુએશન પ્લાનઃ સ્વચ્છ અને સુવ્યવસ્થિત એવેક્યુએશન પ્લાન હોવો જોઈએ, જેને બધા લોકોને જાણ હોવી જોઈએ. સમયાંતરે એવેક્યુએશન ડ્રિલ્સ કરવામાં આવવી જોઈએ.
માળખાકીય સુરક્ષાઃ બાંધકામ અને ઈલેક્ટ્રિકલ સિસ્ટમ્સ ફાયર પ્રૂફ હોવી જોઈએ. ફલેમ રેટાર્ડન્ટ મટિરિયલ્સનો ઉપયોગ કરવો જોઈએ.
પ્રશિક્ષણ અને જાગૃતિઃ કર્મચારીઓ અને રહેવાસીઓ માટે ફાયર સેફટી અને ફાયર ફાઈટીંગ સાધનોના ઉપયોગ અંગે નિયમિત તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો આયોજિત કરવાં.
સ્વચ્છતાઃ રસોડા, ઈલેક્ટ્રિકલ રૂમ અને સ્ટોરેજ એરિયાઓમાં જ્વલનશીલ પદાર્થોને દૂર રાખીને સ્વચ્છતા જાળવી રાખવી.

