Gujarat

17 વર્ષ જૂના બ્રિજ પર ડામર ઉખડ્યો ને સળિયા દેખાયા, ફોટા-વીડિયો વાઈરલ થતાં AMCએ ખાડો પૂરવા દોટ મૂકી

અમદાવાદમાં હજુ વરસાદે સરખી માઝા પણ નથી મૂકી ત્યાં તો રસ્તાઓ અને બ્રિજમાં ગાબડાં પડવાની શરુઆત થઈ ગઈ છે. 17 વર્ષ જૂના ચાણક્યપુરી ઓવરબ્રિજમાં ગાબડું પડ્યાના ફોટો-વીડિયો વાઈરલ થતાં AMCને આજે દોટ મૂકવાનો વારો આવ્યો. બ્રિજની ઉપરની ભાગે ડામર ઉખડી ગયો, સળિયા પણ દેખાવા લાગ્યા છતાં પણ બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓના ધ્યાને આ ખાડો આવ્યો નહોતો. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી ઓવરબ્રિજ પર થોડા દિવસ પહેલા ડામર ઉખડી ગયો અને ખાડો પડ્યો હતો.

જે ખાડો ધીમે-ધીમે મોટો થતો ગયો હતો અને બ્રિજના સળિયા દેખાવા લાગે એવા ખાડામાં પરિવર્તિત થઈ ગયો હતો. આ ખાડાના કારણે અનેક વાહનચાલકોને અવરજવરમાં તકલીફ પડી રહી હતી. બ્રિજ પરના ખાડાના આ ફોટો-વીડિયો વાઈરલ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ધ્યાને આ વાત આવી અને તુરંત જ ખાડાને પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

આ ઘટના અંગે ડેપ્યુટી મેયર અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આ બ્રિજ 17 વર્ષ જૂનો છે. ઔડા દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બ્રિજનો સમાવેશ થયો ત્યારથી લઇ આજદિન સુધી એક પણ રૂપિયાનું રીપેરીંગ કરવાની જરૂરિયાત આ બ્રિજમાં થઈ નથી. સૌપ્રથમવાર આ બ્રિજ પર ખાડો પડ્યો છે.

ડામરનો ભાગ ઉખડી ગયો તો એટલે સળિયા દેખાવા લાગ્યા હતા. બ્રિજની નીચે સુધી દેખાય એવું ગાબડું પડ્યું નથી. તાત્કાલિક ધોરણે આ બાબતે અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ખાડો પૂરી દેવામાં આવ્યો છે.