Gujarat

18 ડેમ અડધા ભરાયા, 4 ડેમ હજુ ખાલીખમ, રાજકોટના ન્યારી-2 ડેમ હેઠળના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં વરસાદથી ભાદર, આજી સહિત 29 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં રાજકોટના જીવાદોરી સમાન આજી, ભાદર, ન્યારી, સોડવદર, ફોફળ, મોજ સહિતના ડેમોનો સમાવેશ થાય છે. હાલ ડેમની સ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્રના 18 ડેમમાં 50%થી વધુ જળસપાટી જોવા મળી રહી છે.

જ્યારે 4 ડેમની સ્થિતિ ખાલીખમ જોવા મળી રહી છે અને દ્વારકાનો વાંસલ ડેમ તેમજ મોરબી જિલ્લાનો સસોઈ-2 અને વગડિયા ડેમ 100% ભરાય ગયો છે. રાજકોટ જિલ્લાના આજી-2, ન્યારી-2 અને ભાદર-2 ડેમના દરવાજા ખોલી પાણીની સપાટી જાળવવામાં આવી રહી છે.

આજી-2 ડેમ

ન્યારી-2 ડેમના હેઠવાસના ગામોને સાવચેત4 રહેવા સૂચના

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી 2 ડેમમાં 70% પાણી ભરાયેલ હોવાથી પાણીનું લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં આવેલા પડધરી તાલુકાના ખામટા ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાને સિંચાઈ માટે ઉપયોગી આજી-2 ડેમની સપાટી પણ હાલ 73.29% એટલે કે, 25.90 ફૂટ પાણી ભરેલ છે અને તેના 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. જ્યારે ઉપલેટા નજીકનો ભાદર-2 ડેમ 81% એટલે કે, 21.50 ફૂટ ભરેલો હોવાથી તેનો પણ એક દરવાજો 0.75 મીટર ખોલવામાં આવ્યો છે.