Gujarat

ચાકૂ મારીને લૂંટના બનાવમાં ગેંગ ઝડપાતા લૂંટના ૨૧ ગુના ઉકેલાયા, સરખેજ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી

ચાકૂ મારીને લૂંટના બનાવમાં ગેંગ ઝડપાતા લૂંટના ૨૧ ગુના ઉકેલાયા, સરખેજ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી, ૨૧ મોબાઈલ, બાઈક અને છરા કબજે કર્યા સરખેજમાં ૧૩ ડિસેમ્બરના રોજ સંદીપ વી.રાણા તેના મિત્ર અજયકુમાર રાવ અને અનમોલ શર્મા સાથે એસપી રીંગ રોડથી કાવેરી બિલ્ડીંગની સાઈડ તરફ જતો હતો ત્યારે બાઈક પર આવેલા ચાર શક્સોએ તેમને અટકાવ્યા હતા.બાદમાં આ શખ્સોએ અજયકુમારને પેટના ભાગે છરી મારીને તેનો મોબાઈલ અને રૂ.૨૦૦ રોકડા તથા અનમોલનો મોબાઈલ લૂંટી લીધો હતો.

આ અંગે તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે સરખેજ પોલીસે તપાસ હાથ ધરીને સરખેજ મમતપુરા બ્રિજ પાસેથી હર્ષ જીતેન્દ્રભાઈ શર્મા, પ્રહલાદ વેલજીભાઈ બુનકર, સુનીલ લક્ષ્મણભાઈ ખોખરીયા અને આશિષ ઓમકાર બુનકરની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે લૂંટના બે મોબાઈલ, બાઈક અને અન્ય ૧૯ મોબાઈલ મળીને કુલ રૂ.૧,૩૦,૦૦૦ નો મુદ્દ્‌માલ કબજે કર્યો હતો.

તપાસમાં આરોપીઓએ આ મોબાઈલ મેમનગર રોડ, ઓડ કમોડ રોડ, ઘાટલોડીયા,નરોડા પાટીયા અને ગોતા નજીક લોકોને ચાકૂની ધાક બતાવીને લૂંટ કરી હોવાનું બહાર આવ્યું હતું, આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. અમદાવાદમાં તેઓ સામાજીક પ્રસંગોમાં વેઈટર કામ તથા મોલમાં નોકરી કરતા હતા. આરોપીઓ મોડી રાત્રે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં બાઈક પર જઈને ચાકૂ બતાવીને તેમની પર હુમલો કરીને મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.