છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં સોમવારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલની સાધન-સામગ્રીને પણ નુકસાન થયું છે.
ભારે પવનને કારણે સોમવારે સૌરાષ્ટ્રના 1200થી વધુ ગામડાંમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો જેને પૂર્વવત કરવા ટીમો દોડાવવામાં આવી હતી અને હાલ ખેતીવાડી સિવાયના તમામ ફીડરો ચાલુ કરી દેવાયા છે. ગામડાંમાં પણ વીજપુરવઠો શરૂ કરી દેવાયો છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં 226 વીજપોલ અને 22 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. હાલ તમામ ગામડાંમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.
સોમવારે સૌરાષ્ટ્રમાં કરા અને તોફાની વરસાદ સાથે આવેલા મિનિ વાવાઝોડાને કારણે પીજીવીસીએલ હેઠળના કુલ 1205 ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો. પીજીવીસીએલની ટેક્નિકલ ટીમ દ્વારા બધા જ ગામોમાં તાત્કાલિક ધોરણે વીજપુરવઠો પૂર્વરત કરી આપવામાં આવ્યો છે. સવારે કુલ 632 ફીડર બંધ હતા તેમાંથી જ્યોતિગ્રામ યોજનાના બધા જ ફીડર શરૂ કરી આપવામાં આવ્યા છે કફત ખેતીવાડીના 298 ફીડર બંધ છે.
જેને પણ વહેલી તકે રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે. સોમવારે રાજકોટમાં પણ અતિભારે પવન અને વરસાદનાં કારણે એચ.ટી-1 સબ ડિવિઝન હેઠળ નવદુર્ગા, સીતારામ, ભક્તિનગર, સહકાર અને નવાગામ ફીડર, એચ.ટી-2 સબ ડિવિઝન હેઠળ SRP અને ગુરુકુળ ફીડર જ્યારે એચ.ટી-3 સબ ડિવિઝન હેઠળ વૃંદાવન, સોમેશ્વર, કસ્તુરી અને શાંતિવન ફીડર ટ્રિપ થયા હતા. જોકે બાદમાં તમામ સ્થળે વીજપુરવઠો પૂર્વવત કરાયો હતો.
મુંબઈની ઘટના બાદ મનપાએ શહેરનાહોર્ડિંગની ચકાસણીના આપ્યા આદેશ
મુંબઈમાં ભારે પવનને કારણે હોર્ડિંગ ધરાશાયી થતાં ગોઝારી ઘટના બની છે જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા મહાકાય હોર્ડિંગની તપાસ શરૂ કરવા આદેશ આપ્યા છે.
રાજકોટ શહેરમાં અનેક સ્થળોએ હોર્ડિંગ લગાવેલા છે. આ તમામ હોર્ડિંગની મજબૂતી ચકાસવા માટે સૂચના અપાઈ છે. આ ઉપરાંત શહેરમાં તપાસ કરીને મંજૂરી વગર જેટલા પણ હોર્ડિંગ કે મોટા બોર્ડ લગાવાયા હોય તે તાત્કાલિક ઉતારવા માટે સૂચના આપી દેવાઈ છે. જે પણ મંજૂરી વાળા છે તેમના સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવા એજન્સીઓને તાકીદ કરાઈ છે.
રાજકોટમાં ગત વર્ષે વાવાઝોડાની આગાહીને પગલે શહેરભરમાંથી મોટા હોર્ડિંગ ઉતારી લેવા માટે આદેશ અપાયા હતા આ ઉપરાંત સોલાર પેનલ પણ લોકોએ સાવચેતી સાથે ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. તે સમયે જે તકેદારી રાખવામાં આવી હતી તેને હવે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં આવરી લેવાઈ છે. શહેરમાં સોમવારે સાંજે ભારે પવન ફૂંકાયો હતો જેથી અલગ અલગ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ બે હોર્ડિંગ ઉતારવારની ફરજ પડી હતી.