પડતર માંગણીઓને લઈને શિક્ષકોનું જિલ્લાકક્ષાનું આંદોલન હવે પાટનગર સુધી પહોંચ્યું હતું. શુક્રવારે બનાસકાંઠાનાં 2500 શિક્ષકો એક દિવસની સીએલ પર ઉતરી ગાંધીનગર આંદોલનમાં જોડાઈ ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયકુમાર બી. દવેએ જણાવ્યું હતું કે ‘જુની પેન્શન યોજના અને પડતો પ્રશ્નો બાબતે સરકાર દ્વારા સમાધાન થવા છતાં ઠરાવો ન થવાના કારણે શિક્ષણ ક્ષેત્રમાં પણ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્નને લઈને આંદોલન કરવામાં આવે છે. પણ હકારાત્મક જવાબ હજુ સુધી સરકાર તરફથી આવ્યો નથી. જેથી શુક્રવારે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સત્યાગ્રહ છાવણીમાં બપોરે 12 થી 3 કલાક દરમિયાન ધરણાં પ્રદર્શન યોજાયું હતું. જેમાં ગુજરાતમાંથી લગભગ 50,000 થી વધુ શિક્ષક કર્મચારીઓ જોડાયાં હતાં. ત્યારે બનાસકાંઠા જીલ્લાનાં 2500 શિક્ષકો પણ ગાંધીનગર જઇ આ કાર્યક્રમમાં જોડાયાં હતાં.