સુરેન્દ્રનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના રમત ગમત અને સંસ્કૃતિક વિભાગ તેમજ પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવાકુંજના સંયુક્ત ઉપક્રમે યોજાએલ સ્પેશીઅલ ખેલમહાકુંભમાં 186 દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં ક્રિકેટ, ચેસ, લાંબીકૂદ, ગોળાફેંક, બરછીફેક સહિત અનેક રમતોમાં કૌવત બતાવ્યું હતું. એમ.પી.શાહ કોલેજના મેદાનમાં યોજાએલ દીવ્યાંગો માટેના ખેલમહાકુંભમાં 100 મીટર દોડમાં 69, લોંગજમ્પમાં 54, ગોળફેંકમાં 75, ચક્ર્ફેકમાં 90 તેમજ બરછીફેકમાં 58 દીવ્યાંગોએ ભાગ લીધોહતો.
જ્યારે ચેસની સ્પર્ધામાં 100 થી વધુ પ્રજ્ઞાચક્ષુઓએ ભાગ લીધો હતો. ક્રિકેટની 4 રીમો હતી. જેમાં 3 ટીમ સુરેન્દ્રનગરની અને 1 ટીમ સાયલાની હતી. તા 26.2.2024 ના રોજ યોજાએલ પ્રજ્ઞાચક્ષુઓની ક્રિકેટ મેચ જોવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યા હતા. આંખે નહીં દેખાતું હોવા છતાં બેટિંગ કરીને ચોક્કા છક્કા મારીને તેમજ બોલીંગમાં વિકેટ ઝડપીને પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ તમામ પ્રેક્ષકોને અચંબિત કરી દીધા હતા. આ અનોખી ક્રિકેટ મેચમાં હાજર રહેલા દર્શકો દરેક બોલ વખતે દિવ્યાંગ ખેલાડીઓને તાળીઓ અને બૂમો પાડીને પ્રોત્સાહન આપતા હતા. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા યોજાએલ આ ખેલમહાકુંભમાં જીલ્લા સમાજસુરક્ષા અધિકારી અમિતકુમાર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. રમતવીર દિવ્યાંગોને ચૂંટણીમાં મતદાન કરવા માટે માર્ગદર્શન અપાયું હતું. તેમજ દરેક રમતમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને ઇનામો અને પ્રમાણપત્ર આપીને બિરદાવાયા હતા.