સરદારનગર વિસ્તારમાં ફરી વખત સ્થાનિક પોલીસની મિલીભગતથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ શરૂ થઈ ગઈ હતી. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળતા તેમણે દરોડો પાડીને ભઠ્ઠીઓ પકડી પાડી હતી. દરમિયાનમાં ત્યાંથી 306 લીટર તૈયાર દેશી દારૂ, દેશી દારૂ બનાવવા માટે વપરાતો 2250 લિટર વોશ સહિતના મુદ્દામાલ સાથે મહિલા સહિત છ બુટલગેરની ધરપકડ કરી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સરદારનગર કુબેરનગર-એ વોર્ડના એક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે ત્યાં ભઠ્ઠીઓમાં દેશી દારૂ બનાવવાનું ચાલુ જ હતંુ. મોટાં મોટાં પીપડાં ભરીને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 2250 લિટર વોશ, 306 લિટર તૈયાર દેશી દારૂ, સ્ટવ, મોટર સહિતનો મુદ્દામાલ પોલીસે પકડી પાડયો હતો.
આ સાથે ત્યાંથી કુંવર ઉર્ફે કાળીબહેન નરેશભાઈ બજરંગી, જમલ કમલભાઈ શેખ, દિલીપ કથીરિયા, આશિષ રાયચંદ, કમલેશ દંતાણી અને રોહિત રાજાધિકારીની ધરપકડ કરી હતી. જ્યારે આ દારૂની ભઠ્ઠી ચલાવનાર બુટલેગર રિતેશ ઉર્ફે મિચલ ગોપાલભાઈ ગારંગે પકડાયો નહીં હોવાથી પોલીસે તેને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓનું કહે છે કે, સરદારનગર વિસ્તારમાં ધમધમતી આ ભઠ્ઠીમાં રોજનો 500 થી 1 હજાર લિટર દેશી દારૂ બનાવીને સરદારનગર તેમ જ આસપાસના વિસ્તારમાં બુટલેગરોને સપ્લાય કરવામાં આવતો હતો. હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.

