Gujarat

ચલાલામાં રસ્તાકાંઠાના 310 દબાણ દૂર કરાયા

ચલાલામાં શહેરના મુખ્ય રસ્તાઓના કાંઠે મોટા પ્રમાણમાં દબાણો થયા હોય આજે તંત્ર દ્વારા લાવ લશ્કર સાથે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને સવારથી સાંજ સુધીમાં 310 દબાણો દુર કરવામાં આવ્યા હતા.

ચલાલામાં આ કાર્યવાહી માર્ગ અને મકાન વિભાગ, પાલિકા અને ધારીના વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. અગાઉ જ દબાણ કરતાઓને તેમના દબાણો સ્વૈચ્છાએ દુર કરવા નોટીસ પણ આપવામાં આવી હતી. અને ત્યારબાદ શહેરમાં માઈક ફેરવી દબાણો દુર કરવા તાકીદ કરાય હતી. જેના કારણે અનેક દબાણકારોએ પોતાના દબાણો જાતે જ દુર કરી લીધા હતા.

દરમિયાન આજે ધારીના મામલતદાર વ્યાસ, પાલિકાના ચિફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી અને પોલીસ સ્ટાફની હાજરીમાં સાવરકુંડલા રોડ, અમરેલી, રોડ, ધારી રોડ, શાકમાર્કેટ, મહાદેવપરા, તીનબત્તી ચોક વિગેરે વિસ્તારમાં દબાણો દુર કરવામાં આવ્યા હતા. અહીં તંત્ર દ્વારા 110 કેબીનો હટાવી દેવામાં આવી હતી.