Gujarat

ધારાસભ્ય રિવાબા સહિત 350 મહિલા-પુરુષોએ આખી રાત મહેનત કરીને લાડુ બનાવ્યા, 4000 લાડુ પશુઓને ખવડાવાશે

જામનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લાં 17 વર્ષથી ગણપતિ દાદાને લાડુનો પ્રસાદ ધરાવીને અબોલ પશુઓને ખવડાવવામાં આવે છે. આજે પણ જય અંબે મિત્ર મંડળ દ્વારા 19,500 લાડુ બનાવીને શ્રીજીને ધરાવાયો છે.

જેમાં 15500 લાડુનો ગણપતિ દાદાને પ્રસાદ અને 4000 જેટલા લાડુ પશુઓને ખવડાવવામાં આવશે. આ લાડુ સાંજે મહાઆરતી બાદ પ્રસાદરૂપે લોકોને વિતરણ કરાશે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા સહિત 350 મહિલા-પુરુષોએ આખી રાત મહેનત કરીને આ લાડુ બનાવ્યા હતા.

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ગણપતિ બાપાને પ્રિય મોદક એટલે કે 15,500 લાડુનોનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો છે અને 4000 લાડુ અબોલ પશુઓ માટે પણ તૈયાર કરવામાં આવ્યા છે.

આ પ્રસાદ તૈયાર કરીને ગણપતિ બાપાનાં ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા હતા. જેને સાંજે મહાઆરતી કર્યા બાદ પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે. જામનગરના જય અંબે મિત્ર મંડળ મહોત્સવ દ્વારા ગણેશજીને ધરાવવા 19,500 લાડુ બનાવાયા હતા. જેમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા રવીન્દ્રસિંહ જાડેજાએ પણ લાડવા બનાવ્યા હતા.

આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે, આ મિત્ર મંડળ દ્વારા માત્ર ગણપતિ બાપાનાં ચરણોમાં જ નહીં પરંતુ જીવ સૃષ્ટિના કલ્યાણ માટે પણ લાડુનો પ્રસાદ અર્પણ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં માતૃશક્તિ દ્વારા લાડુની પ્રસાદી તૈયાર થઈ રહી હોવાથી તેમણે આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો હોવા બદલ જય અંબે મિત્ર મંડળનો આભાર માન્યો હતો.