Gujarat

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં બે દિવસમાં ચાંદીપુરાના 4 શંકાસ્પદ કેસ, એકનું મોત થતા ત્રણ સારવાર હેઠળ

સમગ્ર ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને બાળ દર્દીઓમાં આ વાયરસ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોલ અને જામજોધપુર પંથકના બે બાળ દર્દીઓ કે જેઓને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી ગણીને દાખલ કરવામાં આવ્યા છે. બંનેના નમૂના મેળવીને પૃથકરણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

જામનગરની સરકારી હોસ્પિટલમાં અલગથી શરૂ કરાયેલા વોર્ડમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ બે બાળદર્દીઓને શંકાસ્પદ ગણીને દાખલ કરવામાં આવ્યા હતા.

જે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની એવા એક બાળ દર્દીનું મૃત્યુ નીપજતાં હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ થઈ છે. હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ એવા ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે, જે તમામની સધન સારવાર ચાલી રહી છે.