-:પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ:-
– માત્ર પત્રો અને પાર્સલ જ નહી પોસ્ટ વિભાગ લોકોને ઘરે બેઠા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડી રહ્યું છે
સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવની અધ્યક્ષતામાં ક્ષેત્રના વિભાગીય વડાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટના પ્રવર ડાક અધિક્ષક શ્રી એસ. કે. બુન્કરે રાજકોટમાં પ્રથમ વખત આગમન કરેલા પોસ્ટમાસ્ટર જનરલનું સ્વાગત કરી પરિક્ષેત્ર દ્વારા કરવામાં આવેલા કાર્ય અને પ્રાપ્ત સિદ્ધિઓની માહિતી આપી હતી.

આ તકે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ટપાલ સેવાઓ અદ્યતન ટેકનોલોજી અપનાવીને સતત નવા પરિમાણો સર્જી રહી છે. બદલાતા વાતાવરણમાં ટપાલ વિભાગ નાણાકીય સમાવેશન, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. પત્રો અને પાર્સલની સાથે ટપાલ વિભાગ સરકારની તમામ લોકકલ્યાણ યોજનાઓ અને તેના લાભો પણ લોકો સુધી પહોંચાડી રહ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરતા તેમણે કહ્યું હતું કે, આ પરિક્ષેત્રમાં હાલમાં કુલ ૪૫ લાખથી વધુ બચત ખાતા, લગભગ ૯.૩૯ લાખ આઇ.પી.પી.બી. ખાતા, ૩.૯૭ લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા અને ૩૭,૦૦૦ મહિલા સમ્માન બચત પ્રમાણપત્રો ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ૪૨૬ ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે, ૭૪૦ ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે, અને ૧૬ ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં ૩૧,૦૦૦ કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. ૯૧,૦૦૦ લોકોએ પોસ્ટ ઓફિસ મારફત આધાર નોંધાવ્યું અથવા અપડેટ કર્યું છે, જ્યારે ૭૬,૦૦૦ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા સી.ઈ.એલ.સી.માંથી લાભ મેળવ્યો છે. ૩૦,૦૦૦ કરતાં વધુ લોકોએ આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ મારફત ૧૫ કરોડ રૂપિયાના ચુકવણાં ઘરના દરવાજે મેળવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી યાદવે ઉમેર્યું હતું કે, પત્ર અને પાર્સલની સાથે ટપાલ વિભાગમાં સેવિંગ્સ બેંક, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ કેન્દ્રો, કોમન સર્વિસ સેન્ટર અને ડાક નિર્યાત કેન્દ્ર પણ કાર્યરત છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો આજે મોબાઈલ બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. સી.ઈ.એલ.સી. હેઠળ, તમામ સેવાઓ જેવી કે ઘરે બેઠા બાળકોના આધાર બનાવવા, મોબાઇલ અપડેટ કરવા, ડિજિટલ જીવન પ્રમાણપત્ર, ડી.બી.ટી., બિલની ચુકવણી, એ.ઈ.પી.એસ. દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે.
પોસ્ટમાસ્ટર જનરલશ્રીએ નાણાંકીય વર્ષના બાકીના દિવસોમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર તેમજ સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, જાહેર ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકયો હતો.

આ પ્રસંગે રાજકોટ મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી એસ. કે. બુન્કર, સહાયક નિદેશક શ્રી એમ. એચ. હરન, શ્રી આર.આર. વિરડા, શ્રી જે.કે. હિંગોરાણી, શ્રી કે.એસ. ઠક્કર, રાજકોટ પ્રવર ડાકપાલ શ્રી અભિજીત સિંહ, પી.એસ.ડી ડાક અધિક્ષક શ્રી એમ.ડી.દાનાણી, અમરેલી મંડળના ડાક અધિક્ષક શ્રી બી.એન.પટેલ, ભાવનગર મંડળના ડાક અધિક્ષક શ્રી ડી. એચ. તપસ્વી, ગોંડલ મંડળના ડાક અધિક્ષક શ્રી કે. એસ. શુક્લા, જામનગર મંડળના ડાક અધિક્ષક શ્રી વિપુલ ગુપ્ત, જૂનાગઢ મંડળના ડાક અધિક્ષક શ્રી એ. એચ. ચાવડા, પોરબંદર મંડળના ડાક અધિક્ષક શ્રી આર. જે. પટેલ, કચ્છ મંડળના ડાક અધિક્ષક શ્રી એમ. એમ. રાઠોડ, સુરેન્દ્રનગર મંડળના ડાક અધિક્ષક શ્રી એસ. આર. મિસ્ત્રી, લેખાધિકારી શ્રી જુગલ કિશોર, આઈ.પી.પી.બી. પ્રદેશ પ્રબંધક શ્રી રાજીવ કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

