દેશ અને વિદેશમાં અનેકો જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં મોટી હોનારત ઘટતી હોય છે અને જાન અને માલનું નુકસાન સર્જાતું હોય છે. અનેકો ફેક્ટરીઓ, મોલો, હોસ્પિટલો, ગોદામો અને ઘરોમાં અમુક કારણોસર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં મોટા પ્રમાણમાં નુકસાન પણ સર્જાતો હોય છે. એવો જ એક કિસ્સો ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું ચિખલા ગામ પાસેની એક ગરીબ આદિવાસીના ઝૂંપડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ઘરવખરીનો સામાન અને તેમને ઘરે બાધેલા બકરાઓનું મોત નીપજ્યું છે.
ગઈકાલે સાંજે અંબાજીના ચીખલા ગામ નજીક છાપરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચીખલાના પાદરા ફળીમાં આદીવાસીનું ઝુપડુ બળીને ખાખ થઈ ગયું હતું. તો સાથે સાથે ઝુંપડામાં ઘર વખરી સહિત રોકડ નાણાં પણ બળી ગયા હતા. આગ એટલી ભયંકર હતી કે ઘરમાં બાંધેલા પાંચ બકરાઓના પણ બળીને ભડતું થઈ જતા મોત નીપજ્યા હતા. આસ પાડોશીઓએ ડોલ અને બેડાથી આગ ઓલવાના પ્રયાસથી બાજુનું ઘર બચી ગયું હતું. ઘર માલિક વિરમપુર ગયેલો હોવાથી ઘરમાં કોઈ વ્યક્તિનો ન હોવાથી મનુષ્ય જાનહાની ટળી હતી. આદિવાસીના આ ઘરમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ઘટનાની જાણ ગામના સરપંચને થતા ગામના સરપંચ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયતમાં કરાઈ હતી.