Gujarat

ચડત ભરણપોષણની રકમ નહીં ચૂકવતા પતિને 560 દિવસની કેદ

ખંભાળિયામાં રહેતા રાજેશભાઈ હિંડોચાના સુપુત્રી પૂજાબેનના લગ્ન મૂળ જૂનાગઢ ખાતે રહેતા વિવેક કિશોરભાઈ રૂપારેલીયા સાથે 2-05-2013ના રોજ ખંભાળિયા ખાતે હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી થયા હતા.

લગ્નજીવન દરમ્યાન તેઓને પુત્રી સાક્ષીનો જન્મ થયો હતો. લગ્ન બાદ તેઓ જુનાગઢ ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સાસરીયાઓએ થોડો સમય પૂજાબેનને સારી રીતે રાખ્યા બાદ પતિ વિવેક રૂપારેલીયા તેમજ સાસુ, સસરા, નણંદ, દેર વિગેરેએ ઘરકામ બાબતે મેણા ટોણા મારી, દહેજની માગણી કરી અને શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, તારીખ 17-02-2021ના રોજ તેણીના સ્ત્રી ધનની ચીજવસ્તુઓ રાખી લઈ અને માસૂમ પુત્રી સાથે પહેર્યા કપડે ઘરની બહાર કાઢી મૂકી હતી.

આ અંગે ખંભાળિયાની અદાલતમાં પૂજાબેન દ્વારા પતિ વિવેક કિશોરભાઈ સામે ભરણપોષણ મેળવવા અંગેની અરજી કરતા ફેમિલી કોર્ટે સંયુક્ત રીતે માસિક રૂપિયા 8,500 ભરણપોષણ મંજૂર કર્યું હતું.

આ પછી પરિણીતાના પતિ વિવેકએ ભરણપોષણની રકમ નહીં ચૂકવતા અરજદારે પુનઃ અહીંની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટેની અરજી કરી હતી. જેમાં અરજદારના પતિએ ચડત ભરણપોષણની રકમ તેણીને નહીં ચૂકવવા બદલ ફેમિલી કોર્ટના જજ બારોટ સાહેબે અરજદારના પતિ વિશાલને 560 દિવસની જેલની સજાનો હુકમ કરી આ અંગેનું વોરંટ કાઢવાનો હુકમ કર્યો હતો.