“સરકારી નોકરીઓ હવે પારદર્શક સરળ રીતે મળી રહી છે; સરકારી સેવા ખરા અર્થમાં પ્રજાના સેવક બનવાનું ઉત્તમ માધ્યમ” – કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં દેશના વિવિધ ૪૦ સ્થળોએથી ૫૧,૦૦૦થી વધુ ઉમેદવારોને સરકારના વિવિધ વિભાગો માટે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. જેમાં રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલના હસ્તે સૌરાષ્ટ્રના ૮૩ પોસ્ટ અને બે ઉમેદવારોને રેલવેમાં એમ કુલ ૮૫ ઉમેદવારોને નોકરીના નિમણૂક પત્રો એનાયત કરયા હતા.
જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલે ધનતેરસના પવિત્ર દિવસે નવનિયુકત ઉમેદવારોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશના લાખો યુવાનોને રોજગારી – સરકારી નોકરી પારદર્શક રીતે સરળતાથી મળી રહે છે. મેરીટ આધારિત સક્ષમ અને લાયક ઉમેદવારને સરળ પ્રક્રિયા સાથે મેરીટ આધારિત સરકારી નોકરી આપવામાં આવે છે. એક્સટેન્શનની પ્રક્રિયા બંધ કરી તે જગ્યાએ યુવાનોને રોજગારી આપવાની પ્રથા શરૂ કરાઇ છે. યુવાધનને આગળ આવવાની તક આપવામાં આવી રહી છે. જેથી દેશના યુવાનો ઉત્સાહ સાથે કામ કરી શકે છે.
વડાપ્રધાનશ્રી એ સમગ્ર દેશના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યા છે. યુવાનોને આગળ વધવાની ખુબ તક આપી રહ્યા છે. સત્ય માટે જેમ પૂ.મહાત્મા ગાંધીને યાદ કરીએ છીએ તે રીતે સ્વછતા માટે વડાપ્રધાનશ્રી મોદીને યાદ કરીએ છીએ. યુવાનોને કોઈ પણ પ્રકારની લાગવગ વગર પોતાના સામર્થ્ય ઉપર નોકરી મળે છે. ત્યારે આપ સૌ સરકારી સેવામાં ખરા અર્થમાં પ્રજાના સેવક બની રહેજો. તેવી ટકોર પણ જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટિલે કરી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. ડાક સેવાના ડિરેક્ટરશ્રી નીતા શાહે શાબ્દિક સ્વાગત કર્યું હતું. રોજગાર મેળા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ થયું હતું.
આ તકે મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, મેયરશ્રી નયનાબેન પેઢડિયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વેશ્રી રમેશભાઈ ટીલાળા, ડો .દર્શિતાબેન શાહ, અગ્રણીશ્રી ભરતભાઈ બોઘારા, શ્રી રાજુભાઈ ધ્રુવ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.બી.દેસાઈ, એડિશનલ ડિરેક્ટર ઓફ રેલવે કૌશલકુમાર ચૌબે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.