વડોદરા શહેર ખૂબ જ જૂનું અને જાણીતું શહેર છે, અહીં ખૂબ જ જૂની ઇમારતો આવેલી છે. ગત અઠવાડિયે સરકારી ટેક્નિકલ સ્કૂલનો એક ભાગ ધરાશાયી થયો હતો. ત્યારે ગત મોડી રાત્રે શહેરના માંડવી વિસ્તારમાં આવેલ જર્જરિત ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. જોકે, આસપાસ કોઈ ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. બિલ્ડિંગ જમીનદોસ્ત થતા નીચે રહેલ એક કાર પર ઈમારતનો કેટલોક ભાગ પડતા કચ્ચરઘાણ વળી ગયો હતો.
3 માળની જર્જરિત ઇમારતનો અચાનક ધરાશાયી
વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે વધુ એક જર્જરિત ઇમારત અચાનક ધારાશયી થઇ છે. શહેરના માંડવી સ્થિત બેંક રોડ ખાતે આવેલી ત્રણ માળની જર્જરિત ઇમારતનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. આ માંડવી બેંક રોડ અપનાબજાર ખાતે મંદિરની બાજુમાં આ જર્જરિત ઇમારત ધરાશાયી થઇ હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. સાથે વીજ પ્રવાહ ચાલુ હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ પણ તાત્કાલિક દોડી આવી વીજ પુરવઠો બંધ કર્યો હતો.
રાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી
આ ઘટનને લઇ તાત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ બનાવમાં એકમાત્ર બાજુમાં પાર્ક કરેલ કારને વ્યાપક નુકસાન થયું છે. આ જર્જરિત ઇમારતની બાજુમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું અને રાતનો સમય હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
આ બિલ્ડિંગ ખૂબજ જર્જરિત હતીઃ તિલકસિંહ રાઠોડ
આ બનાવ અંગે ફાયર વિભાગના કર્મચારી તિલકસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, માંડવી પાસે આપના બજારની બાજુમાં મંદિરનું નિર્માણ કર્યા ચાલી રહ્યું હતું અને તેની બાજુમાં આવેલ ત્રણ માળની બિલ્ડિંગ પડી હોવાનો કોલ મળ્યો હતો. આ બિલ્ડિંગ ખૂબજ જર્જરિત હતી અને તે ધરાશાયી થતા રોડ સુધી આવી છે. રોડ પર પાર્કિંગ કરેલી એક કાર પર પડતા નુકસાન થયું છે અને તેને કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.
મારી કારને વ્યાપક નુકસાન થયું છેઃ કાર માલિક
આ કાર માલિકે જણાવ્યું હતું કે, અહીંયા મારું સાસરું હોવાતી અમે અહીંયા જમવા આવ્યા હતા. બહારથી મારા સાળાનો કોલ આવતા હું દોડી આવ્યો હતો અને સામે બિલ્ડિંગ નીચે પડતા મારી કાર દબાઈ ગઈ હતી. મારી કારને વ્યાપક નુકસાન થયું છે.
1 હજારથી વધુ શહેરમાં જર્જરિત ઇમારતો
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં આવી અનેક બિલ્ડિંગો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. નિર્ભય શાખા માત્ર નોટિસ આપી સંતોષ માને છે, પરંતુ અતિ જર્જરિત ઇમારતો ઉતારી લેવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી. ત્યારે સવાલ થાય છે કે આજ રીતે જર્જરિત ઇમારતો અચાનક ધરાશાયી થશે અને કોઈ નાગરિકના જાન-માલને નુકસાન થાય તો તેની જવાબદારી કોણી? આજે પણ 1 હજારથી વધુ શહેરમાં જર્જરિત ઇમારતો ઉભી છે, ત્યારે તેની સામે કાર્યાવહી ક્યારે કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે.