Gujarat

મોરબીમાં જેલ ચોકથી નજરબાગ રેલવે સ્ટેશન પાસે બનશે બ્રિજ

મોરબી શહેરમાં સામાકાંઠે જવાનો વધુ એક પુલ બનાવવા માટે નગરપાલિકા દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં સર્વે કરવામાં આવ્યો છે. હાલ નટરાજ ફાટક ઉપર ઓવરબ્રિજનું પુરજોશમાં કામ ચાલી રહ્યું છે.

મોરબી શહેર અને સામાંકાંઠે જવા માટે શહેરની મધ્યે બે પુલ અને એક બેઠો પુલ એમ ત્રણ પુલ કાર્યરત છે.આમ છતાં ટ્રાફિક સમસ્યા હળવી થઈ નથી. એટલે મોરબીના જેલ ચોકથી નઝરબાગ રેલવે સ્ટેશન પાસે અન્ય એક બ્રિજ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

મોરબીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ગઈકાલે શહેરના જેલ ચોકથી નઝરબાગ રેલવે સ્ટેશન પાસે નદી ઉપર બ્રિજ બનાવવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ મામલે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું કે સર્વે ચાલુ છે. પ્રોજેકટ સરકારમાં મંજૂરી માટે મુકવામાં આવશે. મંજુર થયા બાદ સરકારમાંથી જે સૂચના મળશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે ધારાસભ્યએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે મોરબી શહેરીજનોની ટ્રાફિક સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા જેલ ચોકથી નજરબાગ સુધી ઓવર બ્રીજ બનાવવા રવાપર રોડ તથા આલાપ રોડ પર ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ માટે સ્થળ પર રૂબરૂ તપાસ કરી, નગરપાલિકાના ચિફ ઓફિસર તથા એન્જિનિયરને તાત્કાલીક અસરથી ઓવર બ્રિજ માટેના રિપોર્ટ તૈયાર કરવા માટે સુચના આપી હતી.

ચીફ ઑફિસર દ્વારા તાકીદે બ્રીજ માટેના નિષ્ણાત માન્ય કન્સલ્ટન્ટને રૂબરૂ બોલાવી તાત્કાલિક બ્રીજની ડિઝાઇન બનાવવા સૂચના આપી હતી.. મોરબી શહેરમાંથી સામાકાંઠે જવા માટે હાલ મયુરપુલ, પાડા પુલ, બેઠો પુલ આ ત્રણ રસ્તાઓ છે. હવે ચોથો પુલ બને તો ટ્રાફિકમાં ઘણી રાહત મળી શકે તેમ છે.