Gujarat

ધોરાજીના શ્રી વસોયા પટેલ વિદ્યામંદિર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને

કારકિર્દી ઘડતર અંગે જરૂરી તમામ માહિતી અપાઈ

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ અમલીકૃત છે. તેમજ વિદ્યાર્થી પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપે તે માટે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની શ્રી એમ.કે.એમ. વસોયા પટેલ વિદ્યામંદિર ખાતે વ્યવસાયિક સંસ્થા અમદાવાદ(રાયખડ)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું.

આ સેમિનારમાં શાળાના ધોરણ ૯ અને ૧૧ ના કુલ મળીને આશરે ૪૩૯ વિદ્યાર્થીઓને  તેમની કારકિર્દી ઘડતર અંગે જરૂરી તમામ માહિતી અપાઈ હતી.

આ તકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શાળા સલાહકારશ્રી ભાવનાબેન ભોજાણીએ વિદ્યાર્થીઓએ મોબાઇલના ઉપયોગથી થતાં ફાયદાઓ અને ગેરફાયદાઓ અંગે વિસ્તૃત સમજાવ્યું હતું. તેમજ ઓછા સમયમાં વિદ્યાર્થીઓએ પોતાના રસના વિષયો પર વધુ કામ કરવા, જીવનમાં દરેક પરિસ્થિતિ સામે લડવા મજબુત મનોબળ રાખવા સમજાવી રમતગમત, વિજ્ઞાન, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સંઘર્ષ કરીને સફળતા હાંસિલ કરેલા મહાનુભાવોના ઉદાહરણ આપીને ઉપસ્થિત સર્વેને પ્રેરિત કર્યા હતા.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,  વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દીમાં યોગ્ય દિશા અપનાવવા વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું. અને એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. વિદેશમાં શિક્ષણ અને રોજગારી માટે પાસપોર્ટ, વિઝા અને વિદેશ અભ્યાસ માટે લોન અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. અને યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી., સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

આ તકે શાળાના આચાર્યશ્રી રાખોલિયા, ૧૩ શિક્ષકશ્રીઓ અને ૪૩૯ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.