ગત માસ દરમિયાન ૬૭ સ્થળોએ ભુસ્તર વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
ભરૂચ ભુસ્તર વિભાગની ટીમ દ્વારા ગત માસ દરમિયાન ઝઘડિયા તાલુકાના ઝઘડિયા રાજપારડી વિસ્તારમાં આવેલ રેતી,બ્લેકટ્રેપ અને સિલકાના સ્ટોકના સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી મોટી રકમના દંડની નોટિસો આપવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની ક્ષેત્રીય ટીમ દ્વારા ગતમાસ દરમિયાન રાજપારડી-ઝઘડિયા રોડ પર આવેલ સાદી રેતી, બ્લેકટ્રેપ અને સિલિકા સેન્ડના ખરીદ, વેચાણ, સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજુર કરવામાં આવેલ કુલ ૬૩ સ્ટોક રજીસ્ટ્રેશનવાળા સ્થળોએ કાયદેસર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્ટોક રજીસ્ટ્રેશનવાળા સ્થળોએ પડેલ અલગ-અલગ ખનિજના જથ્થાના ઢગલાઓની માપણી કરીને કુલ રૂપિયા ૧૩૧.૭૨ લાખની દંડકીય રકમ કસુરદારો પાસેથી વસુલવા તેઓને નોટીસો આપવામાં આવેલ હતી, જે દંડકીય રકમ પૈકી રૂપિયા ૩૦.૮૩ લાખની વસુલાત કરવામાં આવેલ છે.
તેમજ અન્ય સ્ટોક ધારકો પાસેથી દંડકીય રકમ વસુલવાની કાર્યવાહી હાલમાં ચાલુ હોવાનું વધુમાં જણાવાયું છે. ઉપરાંત ભરૂચ જીલ્લાના અન્ય વિસ્તારોમાં ખનિજના ખરીદ, વેચાણ, સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજુર કરવામાં આવેલ સ્ટોક રજીસ્ટ્રેશનવાળા વિસ્તારોમાં હાલમાં વધુ તપાસ ચાલુ છે.
ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઝઘડિયા તાલુકામાં આકસ્મિક ખનિજ ચેકિંગ હાથ ધરીને ખનિજનું બિનઅધિકૃત વહન કરતાં કુલ ૩૫ વાહનો પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસો પૈકી કુલ રૂપિયા ૫૭.૭૧ લાખ રકમની વસુલાત કરવામાં આવી હોવાનું વધુમાં જણાવાયું હતું. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા રાજપારડી ઉમલ્લાના વિસ્તારોમાં મુખ્ય ધોરીમાર્ગને અડીને તેમજ અન્ય ગ્રામિણ સ્થળોએ મોટી સંખ્યામાં રેતીનો સંગ્રહ કરેલ ઢગલાઓ ઉભા કરાયા છે.
આ બધા ઢગલાઓની તટસ્થ તપાસ થાય તો ઘણીબધી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવનાઓ રહેલી છે. આ પૈકી ઘણા રેતીના ઢગલાઓ મુખ્ય ધોરીમાર્ગને અડોઅડ ઉભા કરીને નાના ડુંગર જેટલી ઉંચાઇ સુધી રેતીનો સ્ટોક કરાયેલો જોવા મળે છે,ત્યારે આ બાબતે જરૂરી રોયલ્ટી ભરાઇ છેકે કેમ, જેટલા સ્ટોકની પરવાનગી મળી છે તેટલોજ જથ્થો સંગ્રહ કરાયો છે કે તેથી વધુ તેમજ જ્યાં સંગ્રહ કરાયો છે તે જગ્યા એનએ થયેલી છેકે કેમ તે બાબતે સઘન તપાસ કરવામાં આવે તો હજી સરકારી તિજોરીમાં ઘણો ફાયદો થઈ શકે છે. વળી આ પૈકીના કેટલાક રેતીના ઢગલા રહેણાંક વિસ્તારો નજીક ઉભા કરાયેલ,ત્યારે આ બધી બાબતોને યોગ્ય અને ન્યાયિક રીતે તપાસીને કસુરવારો પર કડક કારવાઇ કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે ભરૂચ ભૂસ્તર વિભાગ હાલતો ઘણી અસરકારક કામગીરી કરી રહી છે.
વિરલ ગોહિલ, ભરૂચ