Gujarat

છોટા ઉદેપુરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

છોટા ઉદેપુર ખાતે આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે. ત્યારે તેના રૂટ ઉપર આજે છોટા ઉદેપુર પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરીને ચુસ્ત બંદોબસ્તની ખાતરી કરી છે.

અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની નગરચર્યાનો દિવસ. આ દિવસે ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળે છે. ત્યારે છોટા ઉદેપુર નગર ખાતે આગામી 7 જુલાઈના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા શાંતિપૂર્વક નીકળે તેને લઇને છોટા ઉદેપુર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે આજે છોટા ઉદેપુર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરીને ચુસ્ત બંદોબસ્ત હોવાનો સંદેશો લોકોમાં પહોંચાડ્યો છે. આ સિવાય રથયાત્રાના દિવસે પણ મોટી સંખ્યામાં પોલીસ જવાનો નગરમાં બંદોબસ્ત કરીને રથયાત્રા શાંતિપૂર્વક નીકળે તે માટે ગોઠવી દેવામાં આવનાર છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાનું અનોખું મહત્વ રહેલું છે અને રથયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ભાગ લેતાં હોઈ છોટા ઉદેપુર પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચોક્સાઈ રાખવામાં આવી રહી છે.