સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ થયેલ તલવાર રાસ, ગરબા, મણિયારો રાસ તથા વિકાસ ગીતોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લખેલા ‘આવતી કળાય’ ગરબા પર રાસ મંડળીના ખેલૈયાઓએ મનમોહક રાસ રજૂ કર્યો

જામનગર તા.૧૬ ઓક્ટોબર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પદ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

જે ઉજવણીનો ભવ્ય સમાપન સમારોહ મેયર શ્રી વિનોદભાઈ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કલકરાઓએ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લખેલા ‘આવતી કળાય’ ગરબા પર રાસ મંડળીના ખેલૈયાઓએ મનમોહક રાસ રજૂ કર્યો હતો. જ્યારે આભમાં ઉગેલ ચાંદલો ગીત પર ખેલાયેલ ઢાલ-તલવાર રાસે સૌને અચંબિત કર્યા હતા. તો ભર્યા સરોવર બોલ પર રજૂ થયેલ મણિયારા રાસની પણ એટલી જ ઉત્કૃષ્ટ રજૂઆત થઈ હતી. સાથે સાથે કલાકારોએ વિકાસ ગીત તથા વિવિધ ગરબા રજૂ કરી સમગ્ર માહોલ દેશભક્તિમય બનાવ્યો હતો.

કાર્યક્રમમાં મેયર શ્રી વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ જોષી, દંડક શ્રી કેતનભાઈ નાખવા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પરષોત્તમભાઈ કકનાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એ.ઝાલા, શ્રી ભાવેશભાઈ જાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિમલ ગઢવી, આગેવાન સર્વ શ્રી વિમલભાઈ કગથરા, શ્રી વિજયસિંહ જેઠવા સહિત સ્થાનિક કલાકારો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

