વલસાડ એલસીબી પોલીસને એક મોટી સફળતા મળી છે. એક એવા રીઢા વૈભવી ચોરને દબોચ્યો છે. જેણે દેશના અડધો ડઝન રાજ્યોની પોલીસને દોડતી કરી હતી. ચોરી કરવા તે માત્ર હવાઈ મુસાફરી જ કરતો અને ફાઇવ સ્ટાર હોટલમાં રહેતો હતો. આ ઠાઠમાઠ વાળો ઓડી કારમાં જ ફરતો હતો. તેના કારનામા અને વૈભવી જીવન જીવવાની સ્ટાઈલ જાેઈને ભલભલાની ઈષ્યા આવે તેમ છે. આ આરોપી ચોરનું નામ ગુનાની દુનિયામાં ગાજતું નામ છે.
તેનુ નામ રોહિત દયાભાઈ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન શેટ્ટી છે. જે મુંબઈના મુંબ્રા વિસ્તારમાં રહે છે. આરોપી વાપીમાં ઘરફોડ ચોરીના ગુનામાં વલસાડ એલ.સી.બી પોલીસના હાથે લાગ્યો છે. અને તેની ધરપકડ બાદ તેના એક પછી એક ખતરનાક કારનામાઓ બહાર આવી રહ્યા છે. પોલીસના હાથે ઝડપાયો ત્યારે આરોપી પાસેથી એક ચમચમાતી ઔડી કાર, સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત ૧૨ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો.
આરોપી રોહિત સોલંકીની પૂછપરછમાં આ માસુમ ચેહરા પાછળ છુપાયેલા ખતરનાક કારનામાં ધરાવતા અને ગુનાની દુનિયામાં સાતીર દિમાગથી કુખ્યાત તેવા આરોપીના ગુનાહિત ભૂતકાળ છે. ઝડપાયેલ આરોપી રોહિત સોલંકીની જીવનશૈલી પણ આલિશાન છે..આરોપી મુંબઈના મુંબ્રા વિસ્તારમાં એક કરોડથી વધુની કિંમતના બંગલામાં ભાડેથી રહેતો હતો.
જે દેશના અનેક રાજ્યોમાં ચોરી કરવા માટે માત્ર હવાઈ મુસાફરી જ કરતો હતો. ચોરી કરવા એવા શહેરોની પસંદગી કરતો જે એરપોર્ટ ધરાવતું હોય કે એરપોર્ટની આજુબાજુ નું હોય. વિમાનમાં ચોરી કરવા જઈ તે ફાઇવ સ્ટાર મોંઘી હોટલોમાં રહેતો અને દિવસ દરમિયાન તે વૈભવી વિસ્તારોમાં રેકી કરતો હતો અને રાત્રે મોકો મળતા જ લાખોની ચોરી કરી અને વિમાનમાં જ પરત ઘરે આવી જતો હતો. આમ અત્યાર સુધી આરોપી એ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાના અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સહિત દેશના અડધો ડઝનથી વધુ રાજ્યોમાં ચોરીના કારનામાઓને અંજામ આપી રાજ્યોની પોલીસને દોડતી કરી દીધી હતી. અત્યાર સુધી આરોપી દેશના વિવિધ રાજ્યોમાં ૨૭ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો થયો છે.
વલસાડ એલસીબી પોલીસના હાથે ઝડપાયા બાદ આરોપીની પૂછપરછમાં અત્યાર સુધી એક પછી એક ધડાધડ ૧૯ થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ વલસાડ પોલીસને સફળતા મળી છે. વલસાડ પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીએ એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી અને નામ પણ અલગ રાખ્યું હતું. અને પોતાની અને પોતાની પત્નીની વૈભવી જીવનશૈલી જીવતા હતા અને આરોપી ડ્રગ્સનો બંધાણી હોવાથી તે ડ્રગ્સના વ્યસનને કારણે પણ ચોરીના રવાડે ચડ્યો હતો.
દર મહિને ડ્રગ્સના સેવન પાછળ આરોપી ?૨ લાખથી વધારેનો ખર્ચ પણ કરતો હતો. આવા મોંઘા શોખ પાડવા માટે આરોપી અત્યાર સુધી ગુનાઓની દુનિયામાં અનેક કારનામાઓને અંજામ આપી ચૂક્યો છે. આરોપીના રિમાન્ડ દરમિયાન અનેક ગુન્હાહિત ભૂતકાળના કારનામાઓ બહાર આવે એવી શક્યતા છે. સાથે જ તેના આ વૈભવી જીવનશૈલીની પણ અનેક રોચક હકીકતો બહાર આવે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે.