Gujarat

સુરતમાં 2,351 કિલો મર્ક્યુરીથી બનેલું અદભુત શિવલિંગ; શ્રાવણના પ્રથમ સોમવારે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા

આજથી (5 ઓગસ્ટ) પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, જેને લઇ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે વિશ્વનું સૌથી મોટા પારદ શિવલિંગની વાત કરવામાં આવે તો તે માત્ર ગુજરાતના સુરતમાં છે. 2,351 કિલોનું મર્ક્યુરીથી બનેલું આ પારદ શિવલિંગનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં ભક્તો અહીં આવે છે અને ધન્યતા અનુભવે છે.

મર્ક્યુરીમાંથી બનેલું વિશ્વનું સૌથી મોટું શિવલિંગ

વિશ્વભરમાં શિવજીનાં અસંખ્ય મંદિરો આવેલાં છે. દરેક શિવાલયનું પોતાનું એક આગવું મહત્ત્વ હોય છે. ત્યારે વાત કરીએ સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલા એક એવા શિવાલયની કે જે અદભુત અને અકલ્પનીય છે.

આ મંદિરમાં પારદ એટલે મર્ક્યુરીમાંથી બનેલું વિશ્વનું સૌથી વિશાળકાય શિવલિંગ છે. વર્ષ 2004માં અટલ આશ્રમના બટુકગીરી મહારાજ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વનું સૌથી વિશાળ પારદ શિવલિંગ આજે લોક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં રોજે લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે.