આ વર્ષે આતિશ ગરમીના કારણે આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળ્યો હતો, મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાને લઈ ગોડાઉનમાં રહેલ માલ સામાન સળગીને ખાખ થઈ જવા પામ્યો છે. બહુચરાજીમાં સ્થાનિક ફાયર સ્ટેશન કે ટીમની વ્યવસ્થા નહીં હોવાને લઈ આગના સમયે મુશ્કેલી સર્જાઈ. મહેસાણાથી ફાયરની ટીમો સ્થળ પર પહોંચી હતી. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી જાનહાનિ ના કોઈ સમાચાર મળ્યા નથી.
સ્થાનિકો દ્વારા પણ યાત્રાધામ બહુચરાજીમાં ફાયર સ્ટેશન સ્થાપવા માટેની માંગ કરી છે. યાત્રાધામ ખાતે બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં રોજ દર્શનાર્થીઓ આવતા હોય છે. છતાં ત્યાં ફાયરની સુવિધા નહીં હોવાને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બહુચરાજી અને આસપાસના વિસ્તારમાં આગની ઘટના બને ત્યારે મોટે ભાગે મહેસાણા અને ઓએનજીસીની ફાયર ટીમો પહોંચતી હોય છે. જેને લઈ સમય લાગતો હોવાથી ઘટનામાં નુક્સાન થતુ હોય છે.

