છોટાઉદેપુર નગરમાં છેલ્લા આઠ વર્ષથી અષાઢી બીજે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શ્રી રણછોડ રાય ભક્ત મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આવનારી અષાઢી બીજ તા.07 જુલાઈ ના રોજ ભવ્ય રથયાત્રા ના આયોજન માટે નગરના શ્રી રણછોડરાય મંદિર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં રણછોડરાય ભક્ત મંડળ ના આગેવાનો સહિત નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘોડા, બગગી, બેન્ડ વાજા અને વિવિધ ઝાંખીઓ સહિત મહા પ્રસાદીની તૈયારીઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. પંથકના સંતો મહંતો ને પણ આમંત્રણ આપવામાં આવ્યા હતા. સાથે ધજા પતાકા અને કેસરિયા તોરણ થી રથયાત્રા નો રૂટ શણગારવા યુવાવર્ગ આતુર જણાતો હતો. પ્રજામાં રથયાત્રા નું આમંત્રણ આપવા તા 6 જુલાઈ ના સાંજે યુવાનો દ્વારા બાઈક રેલી તેમજ પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા મહોત્સવ ને લઈ નગરજનો માં ભારે ઉત્સાહની લહેર છવાઈ છે. આયોજકો દ્વારા તમામ કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપી રથયાત્રા મહોત્સવ ને ભવ્ય અને અલૌકિક રીતે ઉજવવા અપીલ કરવામાં આવી છે. આયોજકો એ જણાવ્યું હતું કે રથયાત્રા મહોત્સવ ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તા 7 જુલાઈ ને સવાર થી જ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.