Gujarat

જમ્મુ-કાશ્મીરમાં હુમલાને લઇને ગૃહમંત્રી-NSA સાથે બેઠક, અત્યારસુધી એક જવાન-9 શ્રદ્ધાળુએ જીવ ગુમાવ્યા

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક બેઠક યોજી હતી. જેમાં NSA અજીત ડોભાલ સહિત અનેક સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં પીએમ મોદીને આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવનારી કાર્યવાહીની જાણકારી આપવામાં આવી હતી.

PMએ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ વાત કરી. તેમણે ત્યાંની સ્થિતિ વિશે માહિતી આપી. આ સિવાય વડાપ્રધાને ગૃહમંત્રી અમિત શાહ સાથે સુરક્ષા દળોની તૈનાતી અંગે પણ વાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા ચાર દિવસમાં ચાર આતંકવાદી ઘટનાઓ બની છે. જેમાં 9 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 1 જવાન શહીદ થયો હતો અને 2 આતંકીઓ માર્યા ગયા હતા. ચાર ઘટનાઓમાં 6 સૈનિકો સહિત કુલ 49 લોકો ઘાયલ થયા છે. કુપવાડામાં શબ્બીર અહેમદ નામના ઓવર ગ્રાઉન્ડ વર્કર (OWG)ની ધરપકડ કરવામાં આવી છે, જે આતંકવાદીઓને મદદ કરી રહ્યો હતો. તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.