ઓલપાડ ટાઉનનાં મોટા ફળિયામાં હનિફભાઈના મકાનમાં છેલ્લા છ મહિનાથી ભાડે રહેતો (મૂળ.જામનગર)નો અલ્તાફ અહેમદ ઐયુબશાહ દિવાન લેધર બેગમાં નકલી નોટો ભરી ગતરોજ ઓલપાડ બજારમાં વટાવવા નીકળ્યો હતો. ત્યારે મહિલા પી.એસ.આઈ એસ.એન.ચૌધરી અને અન્ય મહિલા પોલીસકર્મીઓની ટીમે રેડ કરી તેને દબોચી લીધો હતો અને રૂપિયા 100ના દરની 97 નોટ જપ્ત કરી હતી.

જેનું એફ.એસ.એલ પરીક્ષણ કરતાં નોટ બનાવતી હોવાનું સામે આવ્યું હતું. ઓલપાડ પોલીસે અલ્તાફની વધુ પૂછતાછ કરતાં તે છ મહિનાથી બીજી પત્ની સાથે ઓલપાડ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો અને પોતાના ઘરે નકલી નોટ છાપી બજારમાં વટાવતો હોવાની કબૂલાત કરી હતી. ત્યારે ઓલપાડ પોલીસે અલ્તાફ દિવાનના ઘરે તપાસ કરતાં બનાવતી નોટ છાપવાનું પ્રિન્ટર તથા કાગળ સાથે કામે લેવાતી સાચી નોટ કે જેની કોપી કરવામાં આવતી હતી એ મળી આવી હતી. પોલીસે હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

સુરત ગ્રામ્ય પોલીસમાં મહિલા અધિકારી સહિતની ટીમે પ્રથમવારનું પાર પાડેલું ઓપરેશન ફ્રોડ કરન્સીની ઊંડાણપૂર્વકની તપાસમાં અલ્તાફ નોટ છાપી કોને કોને આપી છે, અત્યાર સુધી કેટલી નોટ છાપી છે, નોટ છાપવાની સામગ્રી ક્યાંથી લાવતો હતો તેની સાથે કોણ કોણ કામ કરે એના ખુલાશા થવાની શક્યતા છે.


