ખંભાળિયા શહેરના હાર્દ સમા મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ (ગગવાણી ફળી) સ્થિત એક જુના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ આજરોજ સાંજે જમીનદોસ્ત થઈ જતા આ મકાનમાં ફસાયેલા સાત જેટલા વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધા તેમજ બે તરુણીઓને બચાવવા માટે તંત્ર દ્વારા મોડી સાંજ સુધી રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આશરે સવાસો વર્ષ જૂના આ મકાનના કાટમાળને દૂર કરવા તેમજ ફસાયેલાઓને બચાવવા માટે રાત્રી સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું.

ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચારી બની ગયેલા આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા મેઈન બજાર નજીક રાજડા રોડ (ગગવાણી ફળી) વિસ્તારમાં આવેલા એક સદ ગૃહસ્થના માલિકીના આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. આજરોજ સાંજે આશરે પોણા છ વાગ્યાના સમયગાળા દરમિયાન હાલ અવિરત વરસાદના કારણે જર્જરીત બની ગયેલા આ રહેણાક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગયો હતો.

આ સમયે ઘરમાં રહેલા સાત જેટલા સભ્યો પૈકી ચાર સભ્યો સફળતાપૂર્વક બહાર નીકળી ગયા હતા. જે પૈકી આશરે સાતેક વર્ષની બાળાને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ મકાનમાં રહેતા કેસરબેન કણજારીયા નામના 70 વર્ષના વૃદ્ધા તેમજ પાયલબેન અશ્વિનભાઈ કણજારીયા (19) અને પિન્ટુબેન કણજારીયા (14)ને ફસાઈ ગયેલી હાલતમાં અહીંથી બહાર કાઢવા માટે નગરપાલિકા બાદ મોડી સાંજે એનડીઆરએફની ટીમનું પણ અત્રે આગમન થયું હતું.
વર્ષો અગાઉ રાજડા બાલમંદિરનું આ મકાન ધરાશાયી થયાનો બનાવ બનતા પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસ તેમજ પાલિકાના સત્તાવાળાઓ, મામલતદાર વિક્રમ વરુ, પી.આઈ. સરવૈયા સહિતનો કાફલો આ સ્થળે દોડી ગયો હતો. મકાનમાં ફસાયેલા ત્રણ પરિવારજનોને બચાવવા માટે સઘન રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ માટે આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી અને જે.સી.બી.ની મદદથી કાટમાળ ખસેડવાની પ્રક્રિયા લાંબો સમય ચાલી હતી. ઘટના સ્થળે ઇમરજન્સી 108 સહિતનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ અત્યંત જર્જરીત એવા આ મકાન સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ જે-તે આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ કડક કાર્યવાહીના અભાવે મકાન ખાલી ન કરાતા આજે આ દુર્ઘટના બની હતી.

