બેફામ ચાલતા ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માત સર્જે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા વિસાવડી રોડ વિહત માતાના મંદિર પાસે ડમ્પરે લોડીંગ રીક્ષાને અડફેટે લેતાં રીક્ષા ચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
વડગામમાં રહેતા પિતા અને પુત્ર લોડીંગ રિક્ષામાં લાકડા ભરી જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારતા રીક્ષા ફંગોળાઈ હતી અને રીક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સદનસીબે સગીરને કોઈ ઈજા પહોંચી ન હતી.
ગંભીર ઈજાને પગલે ૩૧ વર્ષીય મુકેશ કરશનભાઈ રાવળ ( રહે.વડગામ,તા.દસાડા,જિ.સુરેદ્રનગર )નુ સગીર પુત્રની સામે જ કરુણ મોત નીપજ્યું હતુ.? અકસ્માત સર્જી અજાણ્યો ડમ્પરચાલક ફરાર થયો હતો. બનાવની જાણ થતા ઝીંઝુવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ફરાર ડમ્પરચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી.

