Gujarat

*જિલ્લા પંચાયત જામનગર ખાતે ‘સ્વચ્છતા સંવાદ’કાર્યક્રમ યોજાયો*

*સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા*
*જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓએ ઉપસ્થિત રહી ‘પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ’ વિશે ઝીણવટભરી માહિતી મેળવી*
ભારત સરકારના દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેની જન ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જે ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પણ સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 31 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે.જે ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને કેન્દ્રમાં રાખી ‘સ્વચ્છતા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરથી ઉપસ્થિત રહેલ મિતલ પટેલે ઉપસ્થિત સૌ કોઈને પ્લાસ્ટિકના ગેરફાયદા, ક્લાયમેટ ચેન્જ માટે પ્લાસ્ટિકની ભૂમિકા, પ્લાસ્ટિકની પર્યાવરણ પર થતી અસરો, પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિકના નુકસાનથી આવનારી પેઢીઓને કઈ રીતે સુરક્ષિત રાખવી એ બાબતે પ્રેઝન્ટેશનના માધ્યમથી ઝીણવટભરી ભરી માહિતી પૂરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વચ્છ ભારત મિશનના ડી.સી. શ્રી વી.બી.ગોસ્વામીએ કર્યું હતું.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શારદા કાથડે પણ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા સૂત્રને વર્તનમાં લાવવું ખૂબ જ જરૂરી છે. તેઓએ દેશના સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવી રોજ-બરોજની ક્રિયામાં સ્વચાગ્રહી બનવા પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓ, બ્લોક કો-ઓર્ડીનેટર, ક્લસ્ટર કો-ઓડીનેટર, એન્જિનિયર્સ, તલાટી મંત્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.