Gujarat

મુંબઈની વિશેષ અદાલતે ગેંગસ્ટર છોટા રાજનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી

હોટેલિયર જયા શેટ્ટીની હત્યા કેસ

હોટેલિયર જયા શેટ્ટીની હત્યા કેસમાં મુંબઈની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો હતો જેમાં ગેંગસ્ટર છોટા રાજનને દોષિત ઠેરવી તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો. મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એક્ટ (એમઓસીઓસીએ) હેઠળના કેસ માટે વિશેષ ન્યાયાધીશ એ.એમ. પાટીલે ગેંગસ્ટર છોટા રાજનને આજીવન કેદની સજા ફટકારી છે.

જયા શેટ્ટી એક હોટેલીયર અને મહારાષ્ટ્રના મુંબઈમાં ગોલ્ડન ક્રાઉન હોટલના માલિક હતા. છોટા રાજન ગેંગે તેમની પાસેથી ખંડણી માંગી હતી. આ માટે ગેંગ તરફથી કોલ પણ આવ્યા હતા. જ્યારે જયા શેટ્ટીએ ખંડણીના પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે છોટા રાજન ગેંગના બે સભ્યોએ તેને હોટલની અંદર ગોળી મારી દીધી હતી. આ કેસમાં પોલીસ દ્વારા જયા શેટ્ટીને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી હતી.

છોટા રાજન હાલ તિહાર જેલમાં બંધ છે. તેની પ્રથમવાર ઈન્ડોનેશિયાના બાલી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાંથી તેને ૨૦૧૫માં ભારત લાવવામાં આવ્યો હતો. છોટા રાજનને એક સમયે દાઉદ ઈબ્રાહિમની નજીક માનવામાં આવતો હતો, પરંતુ ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ પછી બંને અલગ થઈ ગયા હતા. સમયાંતરે બે ગેંગ વચ્ચે હિંસક અથડામણો થતી રહે છે.

ભારત સરકારે છોટા રાજન વિરુદ્ધ વર્ષ ૧૯૯૪માં રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. તપાસ એજન્સીઓને આશા હતી કે દાઉદથી અલગ થયા બાદ છોટા રાજન ડી કંપની વિશે માહિતી આપશે, પરંતુ એવું થયું નહીં. આ પછી છોટા રાજને પોતાની ગેંગ બનાવી હતી અને ગુના આચરવામાં આવતા હતા.