Gujarat

સદર પોલીસ ચોકીના બોર્ડમાં એકાએક આગ લાગતા ફાયરની ટીમો દોડી, ફાટકડા સુધી પહોંચે તે પહેલાં કાબૂ મેળવાયો

રાજકોટ શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં સદર પોલીસ ચોકીના બોર્ડમાં કોઇક કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને થોડીવાર માટે નાસભાગ થઈ હતી.

જોકે, આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગ બાજુમાં આવેલી ફટાકડાની દુકાન સુધી પહોંચે તે પહેલાં કાબુ મેળવાયો હતો. જેને પગલે મોટી દુર્ઘટના ટળી હતી.

બપોરના સમયે સદર પોલીસ ચોકીના બોર્ડમાં કોઇક કારણોસર આગ લાગતા ભારે દોડધામ મચી હતી. પોલીસ ચોકીની બાજુમાં આવેલી ફટાકડાની દુકાનમાં આગ લાગ્યાની વાતો વહેતી થઈ હતી.

આ અંગે જાણ થતાં ચીફ ફાયર ઓફિસર અમિત દવે ફાયર વિભાગની ટીમો સાથે દોડી ગયા હતા. તેમજ આગ આસપાસની દુકાનો સુધી ફેલાય તે પહેલાં કાબુ મેળવ્યો હતો. જેને લઈને આસપાસમાં ફટાકડાની દુકાન ધરાવતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.