Gujarat

એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન

પાકિસ્તાનની ફરી એક વખત નાપાક હરકત

પાકિસ્તાન તેની નાપાક હરકતો બંધ નથી કરી રહ્યું તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જીલ્લામાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ ડ્રોન પર દેશના સુરક્ષાદળો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ બાબતે જાણકારી આપતા કહ્યું કે, શનિવારે મોડી રાત્રે ડ્રોન થોડા સમય માટે ભારતીય સીમામાં જોવા મળ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેરી સેક્ટરમાં સરહદ પારથી ડ્રોન જોવા મળ્યા બાદ ભારતીય સેનાને ગોળી ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ વિસ્તારની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. પરંતું કંઈપણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળવા પામી ન હતી. ત્યારે રાષ્ટ્ર વિરોધી લોકો શસ્ત્રો અને ડ્રગ્સ માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતું સુરક્ષા દળો તેઓની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ સતર્ક છે.

આ દરમિયાન શનિવાર અને રવિવાર દરમ્યાન રાત્રે પુંછ જિલ્લાના અલ્લાહપીર વિસ્તાર પાસે થોડા સમય માટે ઝબકતી લાઇટ્‌સ સાથે ઉડતી વસ્તુ પણ હવામાં ફરતી જોવા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે સુરક્ષા દળો સાથે મળીને વિસ્તારની શોધખોળ કરી અને કંઈ મળ્યું નહીં. અહીં પંજાબના અમૃતસર જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ ને ચીનમાં બનેલું ડીજેઆઈ નું મેવીક ૩ ક્લાસિક ડ્રોન મળ્યું છે. સુરક્ષા જવાનોએ હવેલિયાન ગામમાં ડ્રોનને રિકવર કર્યું છે.