ઓલપાડ તાલુકાનાં સાયણ ટાઉન સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સાયણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોની ફક્ત સ્ટાફગણ પૂરતી મર્યાદિત એક અનોખી પરસ્પર સહકારી મંડળી પ્રકાશમાં આવેલ છે.

પ્રાપ્ત થયેલ માહિતી મુજબ સદર મંડળીનાં સંસ્થાપક શ્રીમતી ચેતનાબેન લાડ છે. જેમની પ્રેરણા અને માર્ગદર્શન થકી આ મંડળીની શુભ શરૂઆત તારીખ 1 જુલાઈ 2013 માં થઈ હતી, જે આજપર્યંત સક્રિય છે. પરસ્પર મૈત્રીભાવ તથા સહકારનાં હેતુસર રચાયેલ આ મંડળીનાં સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવતાં મહેન્દ્રસિંહ ગોહિલનાં જણાવ્યા અનુસાર સદર મંડળીનાં પ્રત્યેક સભાસદની માસિક કપાત ₹ 500 છે. આર્થિક રીતે મુશ્કેલીમાં મૂકાયેલ સભાસદને ₹ 45,000 જેટલી રકમ લોન પેટે મળવાપાત્ર છે, જેનું કોઈપણ પ્રકારનું વ્યાજ લેવામાં આવતું નથી.
તાજેતરમાં મંડળીનાં દશાબ્દી મહોત્સવ પ્રસંગે આયોજીત એક કાર્યક્રમમાં મંડળીનાં સંસ્થાપક શ્રીમતી ચેતનાબેન લાડ વયમર્યાદાથી નિવૃત્ત થતાં મંડળી તરફથી તેમને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તકે દરેક સભાસદોએ તેમનું નિવૃત્ત જીવન સુખમય બની રહે એવી હાર્દિક શુભેચ્છા પાઠવી માનભેર વિદાય આપી હતી. આ પ્રસંગે સર્વાનુમતે મંડળીનાં આગામી પ્રમુખ તરીકેની જવાબદારી કવિતાબેન પટેલને સોંપવામાં આવી હતી.
બીજીતરફ મંડળીનાં દશાબ્દી વર્ષની ઉજવણીનાં ભાગરૂપે તમામ સભાસદ મિત્રોને સ્મૃતિભેટરૂપે મીઠાઈ સાથે કાંસાની તાસક વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અંતિમ ચરણમાં મંડળીનાં જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી જીજ્ઞાશાબેન હળપતિએ જણાવ્યું હતું કે છેલ્લાં દસ વર્ષથી નિર્વિધ્ને ચાલતી આ મંડળીનો વહીવટી ખર્ચ શૂન્ય રહ્યો છે, જે ગર્વની બાબત છે. મંડળી ઉત્તરોઉત્તર ખૂબ પ્રગતિ કરે એવી પ્રભુ પ્રાર્થના સાથે તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.