રંગબેરંગી ભીંતચિત્રોના માધ્યમથી કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે સંદેશો આપ્યો
ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર દરમિયાન ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન અમલી છે. જેના ભાગરૂપે ગુજરાતની ૮ મહાનગરપાલિકાઓ અને ૧૫૭ નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જસદણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા વિષયક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

જે અન્વયે જસદણ શહેરમાં ચીફ ઓફિસરશ્રી રાજુભાઈ શેખના માર્ગદર્શન હેઠળ આંબેડકરનગર, જિલ્લેશ્વર પાર્ક સહિતના વિસ્તારોમાં એક અઠવાડિયા સુધી વોલ પેઇન્ટિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં જાહેર સ્થળો ઉપર રંગબેરંગી ભીંતચિત્રો દોરવામાં આવ્યા હતા. વોલ પેઇન્ટિંગમાં ‘કચરો હમેશા કચરાપેટીમાં નાખો.’, ‘વો તો સફાઈવાલા હૈ.’, ‘સ્વચ્છ સર્વેક્ષણ – મેરા શહેર, મેરી પહચાન.’ સહિતના સ્વચ્છતા અંગે વિવિધ પ્રેરણાદાયી સૂત્રો દર્શાવવામાં આવ્યા હતા.

ઉપરાંત, સુકો કચરો, ભીનો કચરો, ઘરેલું જોખમી કચરો અને સેનેટરી વેર્સ જેવા કચરાનું વર્ગીકરણ કરીને કચરાનો યોગ્ય નિકાલ કરવા – જેવા સંદેશા આપવામાં આવ્યા હતા. આમ, જસદણમાં જાહેર દીવાલો પર ‘સ્વચ્છતાના સૂત્રોથી સજાવટ’ કરીને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

