ભાવનગર શહેરમાં રહેતા એક યુવાને મહેસાણાના શખ્સ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ કલ્યાણનગર સ્થિત પ્લોટ નંબર 42 માં રહેતા અને ઓનલાઈન માર્કેટિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા અંકિત રાઘવભાઈ વાઘેલા ઉ.વ.28 છે મહેસાણા શહેરમાં રહેતા હકુભા ઝાલા નામના શખ્સ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિત ની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અનુસૂચિત જનજાતિ માંથી આવતો હોય અને youtube માં પોતાના સમાજને જાગૃત કરવા અલગ અલગ વિડીયો મુકતો હોય જે સંદર્ભે સુરતમાં રહેતા તેના મિત્ર સાથે મોબાઈલ કોલ કોન્ફરન્સમાં વાત કરી રહ્યો હતો, ત્યારે કોન્ફરન્સમાં રહેલ મહેસાણાના હકુભા ઝાલા નામના વ્યક્તિએ તેની જ્ઞાતિ વિશે અપમાનિત કરી ગેર બંધારણીય શબ્દો વારંવાર ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ ત્યારબાદ પણ તેને કોલ કરી હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેણે હકુભા ઝાલા વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. 352, 351(1), 351(3), તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ 3(1)(r), 3(1)(s), 3(1)(u) હેઠળ ફરિયાદ નોંધાવી છે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

